રાજકોટ : પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગી કાર્યકરોએ શર્ટ કાઢી ઘોડે ચડી અને સાયકલ ફેરવીને વિરોધ કર્યો, અટકાયત

0
4
  • કોંગી અગ્રણીને બળજબરીથી ઘોડા પરથી ઉતારવામાં આવતા પોલીસ સાથે બોલાચાલી
  • કોંગ્રેસના કાર્યકર રણજીત મુંધવા શર્ટ કાઢી ઘોડા પર ચડી વિરોધ કર્યો
  • અમુક મહિલાઓ ઘોડાગાડી લઈને જનરલ બોર્ડમાં પહોંચી

રાજકોટમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં બેનરો પહેરી ઘોડે ચડી અને કેટલાક વોર્ડમાં સાયકલ ફેરવીને વિરોધ નોંધાવ્યો હતો. મંજૂરી નહીં છતાં આજે કોંગ્રેસના કાર્યકરોએ ઘોડા પર ચડી અને સાયકલ ફેરવીને વિરોધ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી અગ્રણીને બળજબરીથી ઘોડા પરથી ઉતારવામાં આવતા કોંગી અગ્રણી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર રણજીત મુંધવાએ શર્ટ કાઢી ઘોડા પર ચડી વિરોધ કર્યો હતો.

મહિલા કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે વિરોધ કર્યો

આ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે પોલીસે કોંગી મહિલાઓની અટકાયત કરી હતી. આ સાથે જ કોંગી મહિલાઓ ઘોડાગાડી લઈને જનરલ બોર્ડમાં પહોંચી હતી અને પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિરોધ કર્યો હતો.

કોંગી નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

આ સાથે જ કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભાન પણ ભૂલ્યા હતાં. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માસ્ક પહેર્યા ન હતા અને સાવ ટોળામાં ઉભા રહીને વિરોધ કર્યો હતો. પોલીસે પણ ટોળામાં જઈને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસે કોંગી નેતાઓની અટકાયત કરી

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ઘોડા પર બેસીને રેલી કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે કોંગી કાર્યકરોએ વિરોધ માટે મંજુરી માંગી હતી. પરંતુ પોલીસ પરવાનગી મળી ન હોવા છતાં આજે દરેક વોર્ડમાંથી કોંગી કાર્યકરોએ ઘોડે ચડી અને સાયકલો ફેરવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ પોલીસે કોંગેસના સ્થાનિક નેતાઓ સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

ભાવ વધારા સામે યોજાનારી રેલી ટ્રાફિકને નડે તેમ કહી અરજી ફગાવાઇ

કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે પેટ્રોલ–ડીઝલના ભાવવધારા સામે તા.29ના સવારે ઘોડા રેલી કાઢવા માટે પોલીસ સમક્ષ મંજૂરી માગી હતી. કોંગી આગેવાનની અરજીને ડીસીપી ઝોન-1 મીણાએ નામંજૂર કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસે રેલી કાઢવાની મંજૂરી માગી હતી. પરંતુ ટ્રાફિકની સમસ્યા હોય ઘોડા સાથે રેલી કાઢવાથી ટ્રાફિક સમસ્યા થઇ શકે તેમ છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઇ તેમ નહીં હોવાથી રેલીને મંજૂરી આપવામાં આવી નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં વિરોધ કર્યો

કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે, મોદી સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે. જેથી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને કોંગી નેતાઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો.

બાબરામાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે વિરોધ કર્યો

અમરેલી જિલ્લાના બાબરામાં પણ કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને વિરોધ કર્યો હતો. આ સાથે કોંગી કાર્યકરોએ બાબરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું