વડોદરા : 12 હજારની કિંમતના ગાંજા સાથે એકની ધરપકડ, એક વોન્ટેડ

0
0

વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતી વડોદરા ક્રાઇમ બ્રાંચને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો અને રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. પાણીગેટ પોલીસે 12,230 રૂપિયાની કિંમતના સવા કિલોના ગાંજા સાથે 15,423 રૂપિયાની મત્તા કબજે કરીને આરોપીની NDPS એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી.

પલંગમાંથી ગાંજાની 6 કોથળીઓ અને 3118 રૂપિયા મળી આવ્યા

વડોદરા ક્રાઇમ બ્રાંચના પોલીસ જવાને પાણીગેટ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે તેઓને ચોક્કસ માહિતી મળી હતી કે, સોમા તળાવ પાસે આવેલી હનુમાન ટેકરીમાં રહેતા ધનસુખ પ્રજાપતિના મકાનમાં ગાંજાનો જથ્થો પડ્યો છે અને તે ગાંજાની પડીકી બનાવી વહેંચે છે, જેના આધારે પોલીસે દરોડો પાડીને ધનસુખ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો અને મકાનમાં તપાસ કરતા રૂમના પલંગમાંથી ગાંજાની 6 કોથળીઓ તેમજ રોકડા 3,118 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે ખાતરી કરતા 12,230 રૂપિયાની કિંમતનો 1.223 કિલો ગાંજો હોવાનું જણાઇ આવ્યું હતું.

વોન્ટેડ આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે

પોલીસે 15,423 રૂપિયાની મત્તા કબજે કરીને આરોપીની NDPS એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલ સુરત ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

15 દિવસ પહેલા જ પાણીગેટ વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો હતો

15 દિવસ પહેલા વડોદરાના ચંબુશા બાવાના ટેકરા પાસેથી ગાંજાનો જથ્થો લઇને પસાર થતો યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પાણીગેટ જીઇબી સબ સ્ટેશન પાસેના ચંબુશા બાવાના ટેકરા પાસેથી પસાર થતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી અને તેની પાસે રહેલી થેલીમાંથી ગાંજો મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન તેને તેણે પોતાનું નામ મોહમ્મદ હુસેન યુસુફ ખલીફા (રહે, ચંબુશા બાવાના ટેકરા, પાણીગેટ જીઇબી સબ સ્ટેશન પાસે, પાણીગેટ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. અંગજડતી દરમિયાન ખિસ્સામાંથી 4800 રોકડા મળી આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન આ ગાંજાનો જથ્થો તેની પત્ની ફરીદા યુસુફ ખલીફા(રહે, ચંબુશા બાવાના ટેકરા, જીઇબી સબ સ્ટેશન પાસે, પાણીગેટ,વડોદરા)એ મંગાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. પાણીગેટ પોલીસે 1250 રૂપિયાની કિંમતનો ગાંજો અને રોકડા રૂપિયા સહિત 6050ની મત્તા કબજે કરીને બંને આરોપીઓની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here