ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીક આવેલ નારણપુરાના પાટીયા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર અને પીકઅપ ડાલુ તથા ઈક્કો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં પીકઅપ ડાલાની ટક્કરથી ટ્રેક્ટરના ત્રણ ટુકડા થયા હતા. ઈક્કો કાર વચ્ચે આવી જતાં ઈક્કો કાર બંન્નેને અથડાઈ ચોકડીઓમાં ખાબકી હતી. જેને લઈ ઈક્કો કારમાં સવાર માં અને દિકરાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં સારવાર દરમ્યાન દિકરાનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ ગત રોજ મંગળવારના સાંજના સુમારે આઠ વાગ્યાના સમયે ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામ નજીક આવેલા નારણપુરા ના પાટીયા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક સોઢવ તરફ જઈ રહ્યો હતો. તેની પાછળ પીકઅપ ડાલું આવી રહ્યું હતું. અને હારીજ તફરથી મહેસાણા તરફ ઈક્કો કાર જઈ રહી હતી. જેમાં પીકઅપ ડાલાના ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં ઈક્કોને ધડાકા સાથે ટક્કર મારી હતી. જેમાં ટ્રેક્ટર ઈક્કો અને પીકઅપ ડાલા વચ્ચે આવી જતાં ટ્રેક્ટરના ત્રણ ટુકડા થતાં હતા.
ઈક્કો કાર અને પીકઅપ ડાલું રોડની સાઈડમાં ચોકડીઓમાં પડ્યાં હતા. જેમાં ઈક્કોમાં સવાર અને ચાલક મહેશભાઈ તથા તેમની માતા મેધાબેનને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને તાત્કાલીક સ્થાનીક લોકોની મદદથી 108 મારફતે સારવાર અર્થે ખસેડાયાં હતા. જેમાં મહેશભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી મહેશભાઈની માતા મેધાબેને ચાણસ્મા પોલીસ મથકે પીકઅપ ડાલાના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.