Thursday, August 5, 2021
No menu items!
Homeસૌરાષ્ટ્રમાં વરસાદ : રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે ધોધમાર, ખાંભામાં અડધી કલાકમાં...
Array

સૌરાષ્ટ્રમાં વરસાદ : રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે ધોધમાર, ખાંભામાં અડધી કલાકમાં 2 ઇંચ, ગોંડલમાં વીજપોલ માથે પડતા એકનું મોત

  • ખાંભાની ધાતરવાડી નદી નજીક પસાર થતા હાઇવે પર પાણી ફરી વળ્યા
  • ખાંભાના નાનુડી ગામમાં ચાલુ વરસાદમાં PGVCLનો જીવંત વાયર તૂટતા આખલાનું મોત
  • મહવા માર્કેટિંગ યાર્ડમાં પાણી ઘૂસતા હજારો ગુણી ડુંગળી પલળી
  • ગોંડલ ST ડેપોમાં વૃક્ષ પડતા 3 મોટરસાયકલનો કચ્ચરઘાણ વળ્યો
  • વીરપુરમાં મિની વાવાઝોડું ફુંકાતા વીજળી ગુલ, દુકાનોના પતરા ઉડ્યા

રાજકોટ. સૌરાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાસી ગયા હતા. જ્યારે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને વરસાદનું આગમન થયું હતું. રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટના શાપર-વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જસદણ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજુલાના મોટા આગરીયા, નવા આગરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકમાં માત્ર અડધી કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ ગ્રામ્ય બાદ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અચાનક શહેરમાં કાળા ડિબાંગ વાદળા છવાયા છે. અસહ્ય ઉકળાટ બાદ અચાનક શહેરમાં પવન ફૂંકાવા લાગ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. ગોંડલમાં વાવાઝોડા અને ભારે પવનના કારણે હોર્ડિંગ અને ઈલેક્ટ્રીક પોલ પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો, સોલાર પેનલ અને હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયા છે.

ગોંડલ પંથકમાં ખેતરોમાં પાણી ભરાયા

ગોંડલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ભરૂડી પાસે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ભુણાવા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના ST ડેપોમાં વૃક્ષ પડતા ત્રણ મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાવાઝોડા અને ભારે પવનના કારણે હોર્ડિંગ અને ઈલેક્ટ્રીક પોલ પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો, સોલાર પેનલ અને હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયા છે. ખાંભાના ભાવરડી, નાનુડી, ચતુરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી બાળકો ન્હાવા માટે અગાસી પર ચડ્યા હતા અને ચહેરા પર ખુશી જોવા મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ખાંભા સહિત ઇંગોરાળા, નાનુડી, ભાડ, સરકડીયા સહિતના ગામોમાં એડધી કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા રસ્તા પર ગોઢણડૂબ પાણી ભરાયા હતા. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખાંભાના ધાતરવાડી નદીમાં પાણી વહંતુ થઇ ગયું હતું.  ધાતરવાડી નદી નજીક પસાર થતા હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ શહેરમાં અનેક જગ્યાએ ભારે પવનથી વૃક્ષો અને હોર્ડિંગ્સો ધરાશાયી થયા છે. શહેરમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.

ભાવનગરના મહુવા, તળાજા અને  ઘોઘા તાલુકામાં વરસાદી માહોલ

ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. આજે બપોર બાદ વાતાવરણ ગોરંભાયું હોય જેને પગલે આજે આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મહુવા શહેર અને પંથક તેમજ તળાજાના અલંગ અને પીથલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં પણ પાણી ભરાય ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભીમ અગિયારસ આજુબાજુ સામાન્ય રીતે વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોતા હોય છે. જ્યારે આ વર્ષે વરસાદ પણ વહેલો હોય તેવું લાગી રહ્યું છે. હજુ ગુજરાતમાં સત્તાવાર વરસાદનું આગમન થયું નથી. પરંતુ આગતર વાવણી થાય તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. બગદાણામાં પણ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો.

જામનગર જિલાલમાં સતત ત્રીજા દિવસે વરસાદ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. શહેર અને આસપાસના ગામોમાં કાલાવડ, આણંદપર, જશાપર, શીશાંગ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

યાત્રાધામ વીરપુરમાં મિની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ

યાત્રાધામ વીરપુરમાં મિની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોના છાપરા પરના પતરા ઉડ્યા હતા. સતત બીજા દિવસે ભારે પવનને લઇને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવનને કારણે શહેરમાં વીજળી ગુલ થઇ હતી. ભારે પવન સાથે વરસાદને લઇ વૃક્ષો ધરાશાયી થયા હતા.

મહુવા યાર્ડમાં હજારો ગુણી ડુંગળી પલળી ગઈ

ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાના પ્રારંભની શરૂઆત થઈ નથી. તેમ છતાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભાવનગરના મહુવા, તળાજા  પંથકમાં વરસાદી માહોલ છે. ત્યારે વરસાદને કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહેલી ડુંગળીની હજારો ગુણી વરસાદમાં પલળી ગઇ હતી. વરસાદને લઈ યાર્ડમાં પાણી પણ ભરાયા હતા. જેથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડુંગળી પલળી જવાથી તે ખરાબ થઈ જશે જેથી ખેડૂતોને વધુ નુકસાની સહન કરવી પડશે.

ખાંભાના રાયડી ગામે નદીમાં પૂર આવ્યું

ખાંભાના સરકડીયા, રાયડી, કોદીયા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે. કોદીયા રાયડી નદીમાં નવા નીર આવતાની સાથે જ ગ્રામજનો નવા નીર જોવા નદીએ પોહોચ્યા હતા. નદી નજીક બેઠા પુલ પર પાણી ફરી વળ્યું હતું. નદીમાં પાણીના વહેણમાં લોકો ખુશીમાં જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments