અમદાવાદ : પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ, કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ

0
6

અમદાવાદ શહેરના નામચીન અને વિવાદાસ્પદ બિલ્ડર રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. કરોડોની જમીન પચાવી પાડવાના આરોપ હેઠળ પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ તેમજ તેમના પરિવારની 4 મહિલા સહિત પરિવારના 9 સભ્યો વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, થલતેજ ગામની સિંધુભવન રોડ પર આવેલી કરોડોની જમીન પચાવી લેવા માટે બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી હતી. ઉપરાંત અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કર્યા બાદ આખરે પોતાના પરિવારના નામે દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ જ્યારે જમીન માલિક ચંચળબેન બ્રહ્મટ્ટને ધ્યાને આવ્યુ કે તેમની જમીન પર બિલ્ડર રમણ પટેલ દ્વારા પચાવી લેવામાં આવી છે. જેને લઈ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ખેડૂત ચંચળબહેન ઉર્ફે સુશિલાબહેન ભાઈલાલભાઇ બ્રહ્મભટ્ટે આરોપી તરીકે રમણ ભોળીદાસ પટેલ, છગન ભોળીદાસ પટેલ, કોકિલાબહેન છગનભાઇ પટેલ, દશરથભાઇ ભોળીદાસ પટેલ, મયુરિકાબહેન રમણભાઇ પટેલ, લતાબહેન દશરથભાઇ પટેલ, સરિતાબહેન નટવરભાઇ પટેલ, ક્રિનેશ નટવરભાઇ પટેલ અને પ્રથમેશ. સી. પટેલ મળીને 9 નામ લખાવ્યા છે.

બિલ્ડર રમણ પટેલ અને તેમના ભાઈ દશરથ પટેલને અગાઉના ગુનામાં જ જામીન નથી મળ્યા. ત્યાં વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી તેમની ટ્રાંસફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી પરિવારની મુશ્કેલી વધી શકે છે.

જણાવી દઈએ, પુત્રવધૂ ફીઝુએ સસરા રમણ પટેલ, પતિ મૌનાંગ, સાસુ મયુરિકાબહેન અને પિતા મુકેશભાઇ પટેલ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે મૌનાંગ અને રમણ પટેલની ધરપકડ કરી હતી. છેલ્લા દોઢ મહિનાથી જેલમાં રહેલા રમણ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here