રાજકોટ. રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં આજે વધુ એક કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા 47 વર્ષના પુરૂષનો કેસ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવની સંખ્યા 31 ઉપર પહોંચી ગઇ છે. 31 કેસમાંથી 21 કેસ પોઝિટિવ માત્ર જંગલેશ્વર વિસ્તારના છે, જેથી જંગલેશ્વર વિસ્તારને શુક્રવાર મધરાતથી કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તે સિવાય પોલીસે ઘોડે સવારી કરી ફ્લેગ માર્ચ પણ કર્યું હતું.
લોકોને જીવન જરૂરી વસ્તુઓ આરોગ્ય તંત્રની ટીમ પૂરી પાડશે
જંગલેશ્વરમાં રહેતા લોકોએ ઘરની બહાર નીકળવાનું નથી. લોકોને જીવન જરૂરી વસ્તુઓ આરોગ્ય તંત્રની ટીમ અને તેના માણસો પૂરી પાડશે, તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. જંગલેશ્વર વિસ્તારની દૂધ શાકભાજી અને કરિયાણાની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. પરંતુ કોઈપણ વ્યક્તિએ તે દુકાને જવાનું નથી. જે વસ્તુ જોતી હોય તે ઓર્ડર કરવાનો રહેશે. આ સિવાય કોઠારીયા રોડ પરની રાજ લક્ષ્મી સોસાયટીમાં પણ શુક્રવારે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેની ત્રણ શેરીમાં પણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.
SRPની 3 ટુકડી રાજકોટમાં તૈનાત
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં શુક્રવારે રાત્ર 12 વાગ્યાથી કર્ફ્યુ જાહેર થતાં SRPની 3 ટુકડીઓ બોલાવવામાં આવી છે. આજે સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં જવાના રસ્તા પર દેવપરા શાકમાર્કેટ પાસેનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. SRPપીની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.