મહેસાણા : એક દિવસનાં જોડિયાં બાળક પૈકી એક કોરોના પોઝિટિવ

0
0

મહેસાણા. વડનગરના મોલીપુરની કોરોનાગ્રસ્ત મહિલાએ જન્મ આપેલા જોડિયા સંતાનો પૈકી પુત્રને સોમવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર ચોંકી ઊઠયું છે. એક દિવસના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવો ગુજરાતમાં આ પ્રથમ કેસ છે. જોકે, વડનગર મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ એચ.ડી પાલેકરે આ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો અને બે દિવસ બાદ બાળકનું પુનઃ સેમ્પલ લેવાશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટે આરોગ્ય વિભાગને ચોંકાવી મૂક્યો

મોલીપુરની કોરોના સંક્રમિત હસુમતીબેન પરમારે ગત શનિવારે વડનગર મેડિકલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના વોર્ડમાં રખાયેલાં આ બંને બાળકોના કોરોના સેમ્પલ લેવાયા હતા. જેનો સોમવારે આવેલા રિપોર્ટે આરોગ્ય વિભાગને ચોંકાવી મૂક્યો છે. નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બાળકનો  રિપોર્ટ પોઝિટિવ આવતાં બે દિવસ બાદ તેનું પુનઃ સેમ્પલ લેવાશે. ઉલ્લેખનીય છે કે, બાળક સાથે જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 70 થયો છે. હાલ 19 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

રિપોર્ટ શંકાસ્પદ, 2 દી’માં રિપીટ સેમ્પલ લઇશું 

રિપોર્ટ ડાઉટફુલ છે. બે દિવસ બાદ રિપીટ સેમ્પલ લેવાશે. પોઝિટિવ આવે તો બંને નવજાત બાળકોને આવે. સંક્રમણ થવા માટે મુખ્ય એવું બેસ્ટ ફિડિંગ પણ કરાયું નથી અને બંને બાળકો એકસાથે જ છે ત્યારે પોઝિટિવ રીપોર્ટ આવવો શક્ય નથી, છતાં કન્ફર્મ કરીશું. – એચ.ડી. પાલેકર સુપ્રિન્ટેન્ડેન્ટ, વડનગર મેડિકલ કોલેજ

સોમવારે 44 શંકાસ્પદોનાં સેમ્પલ લેવાયાં, 61 પેન્ડિંગ

જિલ્લા આરોગ્ય વિભાગે રવિવારે 43 અને સોમવારે 44 શંકાસ્પદોના સેમ્પલ લીધા હતા. જેમાં 25 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે 61 રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. જ્યારે મહેસાણા સાંઇક્રિષ્ના હોસ્પિટલમાં પાંચ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here