ગોંડલ: લોધિકાના કાલંભડી ગામે ગોંડલના ચરખડી ગામના બે પિતરાઇ ભાઇઓ યુવતીને મળવા ગયા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. બંનેમાંથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા ભાઇને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ હોસ્પિટલે ખસેડાયો છે. ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
બંને પિતરાઇ ભાઇઓ યુવતીને મળવા કાલંભડી ગામે ગયા હતા
ગોંડલના ચરખડી ગામે રહેતો જયેશ ઉર્ફે જય કિશોરભાઇ વેગડવા (ઉ.વ.17) તેના કાકાના પુત્ર દિલીપ સાથે બાઇક પર કોટડા સાંગાણીના કાલંભડી ગામે આજે સવારે યુવતીને મળવા ગયો હતો. ત્યાં ઝઘડો થતા જયેશ પર હુમલો કરી ઢોર માર મરાયો હતો. બાદમાં બંન્ને પિતરાઇ ભાઇ બાઇક પર ચરખડી પરત જતા હતા ત્યારે ચરખડીથી ડૈયા ગામના રસ્તામાં મુંઢ મારને કારણે જયેશ ઢળી પડતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે દિલીપે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકાના પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જયેશના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જયેશ ખાંટને કાલંભડી ગામમાં જ ઢોર માર મરાયો હોય અને કાલંભડી ગામ કોટડા સાંગાણી પોલીસ મથકની હદમાં આવતું હોય ત્યાં જાણ કરાઇ છે. જયેશ ખાંટ પર હુમલો કરનાર શખ્સો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.