એકાદ બે નિષ્ફળતાથી બુમરાહની ક્ષમતા અંગે શંકા કરાય નહીં : મોહમ્મદ શમી

0
8

હેમિલ્ટન

ભારતનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ તાજેતરની મેચોમાં વિકેટ લઈ શક્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં તે ત્રણ મેચમાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો. જેને કારણે તેની ટીકા થવા લાગી છે અને તેની ક્ષમતા અંગે શંકા સેવાય છે ત્યારે તેના સાથી બોલર મોહમ્મદ શમીએ બુમરાહની તરફેણ કરી છે.

શમીએ શનિવારે સામો સવાલ કર્યો હતો કે એકાદ બે મેચમાં તેની નિષ્ફળતાથી લોકો બુમરાહે ભૂતકાળમાં કરેલા મેચ વિનિંગ પ્રદર્શનને કેવી રીતે ભૂલી શકે? ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝની નિષ્ફળતા બાદ બુમરાહની ક્ષમતા અંગે સવાલ પેદા થયા હતા. મોહમ્મદ શમીએ શનિવારે પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે હું સમજી શકું છું. કોઈ બોલર થોડા સમય માટે નિષ્ફળ રહે તો અમે તે વિશે ચર્ચા કરીએ છીએ પરંતુ બે કે ત્રણ મેચમાં વિકેટ મળે નહીં ત્યારે ચિંતા કરતા નથી. તેણે એકાદ બે મેચમાં વિકેટ લીધી નથી તે જ કારણે તેની મેચ વિનિંગ ક્ષમતા અંગે સવાલ કરી શકાય નહીં. ન્યૂઝીલેન્ડ સામેની વોર્મ અપ મેચના બીજા દિવસની રમત બાદ મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે બુમરાહે ભારત માટે જે કાંઈ સિદ્ધિ હાંસલ કરી છે તેને તમે કેવી રીતે ભૂલી શકો અથવા તો નજરઅંદાજ કરી શકો. જો તમે હકારાત્મક વિચારતા હો તો આ નિષ્ફળતા ખેલાડી માટે સારી નિશાની છે અને તેનાથી તે વધુ મહેનત કરશે તથા તેના આત્મવિશ્વાસમાં વધારો થશે તેમ શમીએ ઉમેર્યું હતું.

ભારતના ઝડપી બોલર અને બુમરાહના નવા બોલના જોડીદાર શમીએ વધુમાં જણાવ્યું હતું કે એ પણ ના ભૂલવું જોઇએ કે તે ફ્રેક્ટરમાંથી બહાર આવ્યો છે. કોઈ વ્યક્તિનું કામ માત્ર કોમેન્ટ કરવાનું છે અને કોમેન્ટ કરીને તે કમાય છે પરંતુ ખેલાડી ઘાયલ થઈ શકે છે. આ બાબતને હકારાત્મક લેવી જોઇએ. હું પણ 2015માં ઘાયલ થયો હતો પરંતુ મેં પુનરાગમન કર્યું છે.

મોહમ્મદ શમીએ એ બાબત પર પણ અકળામણ વ્યક્ત કરી હતી કે એકાદ બે મેચમાં કોઈ બોલર વિકેટ લઈ શકે નહીં તો લોકો તાત્કાલિક જ પોતાનો અભિપ્રાય બદલી નાખતા હોય છે.

લોકોના અભિપ્રાય અચાનક જ બદલાઈ જતા હોય છે. તેઓ એકદમ જ અલગ રીતે વિચારતા થઈ જાય છે પરંતુ બુમરાહની બોલિંગ ક્ષમતા વિશે સવાલ કરવા યોગ્ય નથી તેમ તેણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here