વડોદરા : મકરપુરાના મકાનમાં રસોડામાં ચોખાના ડબ્બામાં સંતાડેલા દેશી તમંચો અને ત્રણ જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો.

0
5

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મકરપુરાના પવન નગરમાં આવેલ મકાનમાં દરોડો પાડી રસોડામાં ચોખાના ડબ્બામાં સંતાડેલા દેશી તમંચો અને ત્રણ જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમંચો તેણે કોની પાસેથી મેળવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે દરોડો પાડી મહંમદહાસીમને ઝડપી પાડ્યો

ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસીથી અલ્વાનાકા તરફ જવાના રસ્તા પર આવેલ પવન નગરમાં રહેતો મહંમદહાસીમ શેખે ગુનાહિત કૃત્ય આચરવા પોતાની પાસે એક તમંચો રાખ્યો છે અને હાલમાં તે પોતાના ઘરે હાજર છે. ઉક્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી મહંમદહાસીમને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી

પોલીસે તેના ઘરમાં રસોડામાં મુકેલ ચોખાના ડબ્બાની તલાશી લેતા તેમાંથી દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 10,300ની કિંમત ધરાવતો તમંચો અને ત્રણ કારતૂસ કબજે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમંચો તેણે કોની પાસેથી મેળવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.