ગુજરાતમાં લગ્ન/સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ સામેલ થઈ શકશે : અંતિમવિધિમાં 50 લોકોની જ મર્યાદા.

0
9

રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. ત્યારે લગ્ન સહિત અંતિમવિધિમાં સામેલ થનારા લોકોની સંખ્યા મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લગ્ન સમારોહના ઉજવણીમાં સ્થળની ક્ષમતા કરતા 50 ટકાથી ઓછા અને વધુમાં વધુ 100 લોકોની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. જ્યારે મૃત્યુ તથા અંતિમ વિધિમાં વધારેમાં વધારે 50 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સહિત કોઈ પણ પ્રકારની ઉજવણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ નિર્ણયનો અમલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

આજે 1400થી વધારે કેસ નોંધાયા

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થવાની જે આશંકાઓ સેવવામાં આવી રહી હતી તે હવે સાચી ઠરી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં સતત ચોથા દિવસે 1400થી વધુ નવા કેસ નોંધાયા છે. માત્ર એટલું જ નહીં, મૃત્યુ પણ ચિંતાજનક રીતે વધ્યા છે. આ 24 કલાક દરમિયાન 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,487ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે બે મહિના બાદ ફરીવાર 17 દર્દીના મોત થયા છે. આ પહેલા 21 સપ્ટેમ્બરે 17 દર્દીના મોત થયા હતા. તેમજ રાહતની વાત એ છે કે, 1234 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.09 ટકા થયો છે.

અમદાવાદના કર્ફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, મોટા ભાગના રદ

અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં લદાતા 1700 લગ્નો પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતાં જ ફરી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ થયા હતા. જે રદ કરવા પડ્યા છે. માત્ર એટલું જ નહીં લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા. જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કર્ફ્યૂથી વેડિંગ ઇવેન્ટના વ્યવસાયને અસર

અમદાવાદમાં ક્રિષ્ના ઇવેન્ટથી વેડિંગ ઇવેન્ટ કરતા કવિતા જૈને જણાવ્યું હતું કે , 8 મહિના બાદ રવિવારથી ફરી લગ્નસરાની સિઝન શરૂ થતાં વેડિંગ ઇવેન્ટનો વ્યવસાય શરૂ થયો છે ત્યારે બે દિવસ સંપૂર્ણપણે કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ લાગતાં વ્યવસાયને મોટું નુકસાન જશે. સરકારે આ મામલે પહેલા વિચારવું જોઈએ અને કોઈ અલગ ગાઈડલાઈન અથવા રાતે 10 કે 11 વાગ્યા બાદ કર્ફ્યૂ લગાવવો જોઈએ. રવિવારે મોટી સંખ્યામાં લોકોના લગ્ન છે. તેઓની કંકોતરી છપાઈ ગઈ છે, મહેમાનો આવી ગયા છે, પાર્ટીપ્લોટ બુક થઈ ગયા છે ત્યારે કર્ફ્યૂના કારણે અમે ખુબ જ અસમંજસમાં છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here