નવા શૈક્ષણિક સત્રથી 4 વર્ષ પૂરા થયાં હોય તેવા બાળકોને જ જુનિયર કે.જી.માં પ્રવેશ મળશે

0
6

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જીમાં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જીમાં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ તેની અસર વર્તાશે. બાળક ચાર વર્ષ કરતાં નાનું હશે અને તેને નવા સત્રમાં જુનિયર કે.જીમાં પ્રવેશ આપવામાં આવશે તો બે વર્ષ પછી તે બાળક ધોરણ 1માં આવશે ત્યારે તેની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ ન હોવાથી તેને પ્રવેશ મળશે નહીં.

1 જુને બાળકે 6 વર્ષ પુરાં કરેલા હોવા ફરજિયાત

સરકારે 2023-24ના શૈક્ષણિક વર્ષથી ધોરણ.1માં પ્રવેશની ઉંમર 6 વર્ષ કરી છે. પરંતુ તે માટે વાલીઓએ અત્યારથી જ સાવચેત રહેવું પડશે. રાજ્યમાં હાલમાં 1 જુને 5 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવાની જોગવાઈ અમલી છે. ચાલુ વર્ષે સત્રની શરૂઆત બાદ તરત જ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી ધોરણ.1માં પ્રવેશ માટેની ઉંમરના નિયમમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ હવે ધોરણ 1માં પ્રવેશ માટે 1 જુને બાળકે 6 વર્ષ પુરાં કરેલા હોવા ફરજિયાત છે. પરંતુ આ પરિપત્રનો ચાલુ વર્ષથી જ અમલ કરવામાં આવે તો અનેક પ્રશ્નો ઉભા થઈ શકે તેમ હોવાથી શિક્ષણ વિભાગે 2023-24ના શૈક્ષણિક વર્ષથી આ નિયમનો અમલ કરાશે તેવું જણાવ્યું હતું. આ પહેલાના ત્રણ વર્ષ પ્રવેશની ઉંમર 5 વર્ષ જ રાખવામાં આવી છે.

વાલીઓએ હવે ખાસ તકેદારી રાખવી પડશે

સરકારના આ પરિપત્ર બાદ પણ વાલીઓમાં તેની સમજણ ના હોવાથી તેઓ પોતાના બાળકોને નાની ઉંમરે પ્રવેશ અપાવી રહ્યાં છે. હાલમાં વાલીઓને આ બાબતેની કોઈ અસર વર્તાશે નહીં. પરંતુ જ્યારે તેમનું બાળક ધોરણ 1માં આવશે અને તે વખતે તેની ઉંમર 6 વર્ષની નહીં હોય તો તેનું વર્ષ બગડશે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ધોરણ.1માં પ્રવેશ માટે 6 વર્ષના નિયમનો અમલ 2023-24થી કરવામાં આવનાર છે. જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ લેતા બાળકોના વાલીઓએ ખાસ તકેદારી રાખવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here