સુરત : કીમ માંડવી રોડ પર નૌગામા ગામે સામસામે બાઈક અથડાતાં બે યુવકોનાં મોત

0
21

સુરતઃ કીમ માંડવી રોડ પર નૌગામા ગામની સીમમાં બે બાઈક સામસામે અથડાતા ગામના બે યુવકના મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માતગ્રસ્ત રોડ પર પડેલી ગાડી સાથે અન્ય એક બાઈક અથડતાં બે ઈજાગ્રસ્ત બન્યા છે. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બંને યુવકોના સારવાર દરમિયાન મોત

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કીમ માંડવી રોડ પર નૌગામા ગામે રહેતા દર્શનભાઈ દિનેશભાઈ પટેલ (રહે. નોગામાં મંદિર ફળિયું) જેઓ કીમ ખાતે નોકરી કરે છે. પોતાની બાઈક (GJ-19-AK-6630) પર કરી પરત ઘરે 9.45 વાગ્યાના અરસામાં આવી રહ્યાં હતાં. જ્યારે કમલેશભાઈ નાનુભાઈ પટેલ (રહે. નૌગામા) રાત્રિના પોતાની બાઈક (GJ-5-EM-2102) પર ખેતર પાણી પાવા માટે જઈ રહ્યા હતાં. દરમિયાન કીમ માંડવી રોડ પર નૌગામા ગામની સીમમાં બંનેની બાઈક સામસામે અથડાઈ હતી. સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતાં. જ્યાં કમલેશભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે દર્શનભાઈને સારવાર માટે ખોલવડ દિનબંધુ હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મગનભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માતગ્રસ્ત બાઈક સાથે ત્રીજી બાઇક અથડાઈ

નૌગામા ગામે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત બાદ બંને મોટરસાઈકલ રોડ પર પડેલી હતી. આ દરમિયાન આ રોડ પરથી પસાર થઈ રહેલ યુનિકોર્ન બાઈક (GJ-15-AK-6339)ના ચાલકને અકસ્માતગ્રસ્ત બાઈક નજરે ન પડતાં તેની સાથે અથડાઈ હતી. યુનિકોર્ન બાઈક પર સવાર બંને ને ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.