કામગીરી – છાપરિયામાં લૉકડાઉનમાં યુવકે એકલા હાથે જ 30 ફૂટ ઊંડો કૂવો ખોદી કાઢ્યો

0
77
  • ખેડૂત પિતાને ખેતીમાં મુશ્કેલી પડતી હોવાથી મદદરૂપ બનવા કૂવો ખોદ્યો
  • પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવાની કામગીરી કરાશે

સીએન 24

સંખેડાલોકડાઉન દરમિયાન સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં ખેડુત પિતાને ખેતીમાં મદદરૂપ બનવા માટે પુત્રએ 30 ફૂટનો ઉંડો કૂવો ખોદી નાખ્યો હતો. કૂવામાંથી પાણી મળ્યું હતુ. પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવા કામગીરી શરૂ કરવામાં આવશે. સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં પ્રતાપભાઇ તડવીનું ખેતર છે. આ ખેતરમાં વરસોથી સિંચાઇ માટેનું પાણી નહોતું. જેના કારણે ખેતીની સિંચાઇની સમસ્યા રહેતી હતી. પ્રતાપભાઇના પુત્ર બાબરભાઇએ આ ખેતરના શેઢા ઉપર લોકડાઉન દરમિયાન એકલા હાથે જ કૂવો ખોદવાની શરૂઆત કરી હતી. આશરે બે મહિનાની કામગીરી કરી આશરે 30 ફૂટ જેટલો ઉંડો કૂવો ખોદી નાખ્યો છે. કૂવામાંથી પાણી મળતા સૌ ખુશખુશાલ બની ગયા છે.
કૂવો અને તેમાંથી નિકળેલું પાણી જોઇને સૌ ખુશ થયા
પાવડો-ત્રિકમથી જાતે જ કૂવો ખોદ્યો હતો. કૂવામાંથી માટી પણ પોતાની જાતે જ ખોદીને બહાર કાઢી હતી. સંખેડા ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ખબર પડતા ડે.સરપંચ મહેશભાઇ રાણા તેમજ ગ્રા.પં.સભ્ય હિતેશભાઇ વસાવા કૂવો જોવા માટે ગયા હતા. કૂવો અને તેમાંથી નિકળેલું પાણી જોઇને સૌ ખુશ થયા હતા.છાપરિયા ગામની સીમમાં આ વિસ્તારમાં સિંચાઇ માટેના પાણી સમસ્યા હતી. આ કૂવો જ્યાં ખોદાયો છે એ વિસ્તારમાં નજીકમાં કદાચ એકાદ જ બોર છે. બાકી જમીનમાંથી પાણી પણ મળતા નથી. અહિંયા કૂવામાંથી પાણી મળતા હવે કૂવામાં ફર્મો ભરવા માટે બાબરભાઇના પિતા અને અન્ય દ્વારા એકાદ બે દિવસમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
અમારા ખેતરમાં પાણી જ નહોતું
સિંચાઇ માટે પાણી ના હોવાથી ખેતીમાં મુશ્કેલી રહેતી હતી. લોકડાઉન દરમિયાન બે મહિનામાં મારા છોકરાએ એકલા એ જ કૂવો ખોદી નાખ્યો છે. એમાંથી પાણી મળતા અમે તેમાં ફર્મો ભરવાનું શરૂ કરવાના છીએ. – પ્રતાપભાઇ તડવી, છાપરિયા
બે મહિનાની મહેનતે કૂવો ખોદ્યો
મે જાતે બે મહિના મહેનત કરીને જાતે કૂવો ખોદી નાખ્યો છે. તળિયું આવી ગયું છે. જાતે જ માટી બહાર કાઢી છે. પાણી મળ્યું છે. – બાબરભાઇ તડવી, કૂવો ખોદનાર
કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે
છાપરિયાના બાબરભાઇએ જાત મહેનત કરીને લોકડાઉનમાં બે મહિનામાં 30 ફૂટ કૂવો ખોદી નાખ્યો છે. આ સફળતા જોવા માટે અમે અને ડે.સરપંચ મહેશભાઇ રાણા આવ્યા છીએ. આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. –  હિતેશભાઇ વસાવા, સંખેડા ગ્રા.પં.સભ્ય