ટિકટોકના અમેરિકન બિઝનેસને ખરીદવાની રેસમાં ઓરેકલે બાજી મારી, માઇક્રોસોફ્ટ બોલીમાં પાછળ પડી

0
3

ચાઇનીઝ કંપની બાયડાંસના શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિકટોકના અમેરિકન બિઝનેસને ટૂંક સમયમાં એક નવો સાથી મળી શકે છે. અમેરિકાના મીડિયાના અહેવાલો અનુસાર, બાયડાંસ ટિકટોકના US ઓપરેશનને ચલાવવા માટે ક્લાઉડ કંપની ઓરેકલની પસંદગી કરવામાં આવી છે. બાયડાંસે ટેક કંપની માઇક્રોસોફ્ટની ઓફરને નકારી કાઢી છે. જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઓરેકલને હિસ્સેદારી મળવા પર શંકા

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, બાયડાંસે ટિકટોક ચલાવવા ટેક્નિકલ પાર્ટનર તરીકે ઓરેકલની પસંદગી કરી છે. જોકે આ ભાગીદારી હેઠળ ઓરેકલને ટિકટોકમાં હિસ્સેદારી મળે એ અંગે શંકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડીલ વેચાણથી અલગ છે અને ઓરેકલ ટિકટોકના મારીકન બિઝનેસના સંચાલન માટે કલાઉડ ટેકનોલોજી આપશે.

જનરલ એટલાન્ટિકને મળશે હિસ્સેદારી

રોઇટર્સના અહેવાલમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ટિકટોકના અમેરિકન વપરાશકારોના ડેટા મેનેજમેન્ટ પણ ઓરેકલ પાસે રહેશે. આ ઉપરાંત અમેરિકન રોકાણ કંપનીઓ જનરલ એટલાન્ટિક અને સેકિયોઆને ટિકટોકમાં મોટો હિસ્સો મળશે. જનરલ એટલાન્ટિક અને સેકિયોઆ બાયડાંસના ટોચના રોકાણકારોમાં સામેલ છે.

ટ્રમ્પ પ્રશાસનની મંજૂરી લેવી પડશે

રોઇટર્સના રિપોર્ટ મુજબ, આ સોદાને આખરી સ્વરૂપ આપતાં પહેલાં ટ્રમ્પ પ્રશાસનની મંજૂરી લેવી પડશે. સંભવિત રાષ્ટ્રીય સુરક્ષાનાં જોખમોને લઈને કમિટી ઓન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન યુનાઈટેડ સ્ટેટ્સ (CFIUS) આ સોદાની તપાસ કરશે. જો ટ્રમ્પ પ્રશાસન આ સોદાને રદ કરે છે તો બાયડાંસે ફરી નવા પાર્ટનર શોધવા પડશે.

આ કંપનીઓએ આપી હતી ઓફર

  • માઈક્રોસોફ્ટ-વોલમાર્ટ
  • ઓરેકલ
  • સેન્ટ્રિક્સ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ-ટ્રિલર ઇન્ક.

ઓરેકલના ટ્રમ્પ પ્રશાસન સાથે સારા સંબંધ

ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ઓરેકલના ટ્રમ્પ વહીવટ સાથે સારા સંબંધ છે. ઓરેકલના સ્થાપક લેરી એલિસને આ વર્ષે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભંડોળ ઊભું કરવા ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ઓરેકલના CEO સાફરા કેટઝ રાષ્ટ્રપતિની ટ્રાન્ઝિશન ટીમનો ભાગ રહ્યા છે. સાફરા વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાનું ચાલુ રાખે છે. ગયા મહિને ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ ટિકટોકની ખરીદીમાં ઓરેકલને ટેકો આપશે.