ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટોએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બંને પ્લેટફોર્મ પરથી ખાવાનું મંગાવવું થોડું મોંઘું થઈ ગયું છે. કંપનીએ તેની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. આ કંપનીઓએ બેંગલુરુ અને દિલ્હી જેવા બજારોમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર દીઠ વસૂલવામાં આવતી પ્લેટફોર્મ ફીમાં 20 ટકાનો વધારો કરીને રૂ. 6 કરી દીધા છે.
અગાઉ કંપનીઓ દ્વારા 5 રૂપિયા વસૂલવામાં આવતા હતા. બેંગલુરુમાં સ્વિગી પણ હાલમાં 7 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલ કરે છે, જેને દૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને કંપનીઓએ ગયા વર્ષે પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી, જે શરૂઆતમાં 2 રૂપિયા પ્રતિ ઓર્ડર હતી.
Zomato અને Swiggy ઓવરઓલ રેવેન્યૂ અને પ્રોફિટ વધારવા માટે પ્લેટફોર્મ ફી સાથે પ્રયોગ કરી રહી છે. જાન્યુઆરીમાં, સ્વિગીએ સિલેક્ટેડ યુઝર્સ માટે રૂ. 10ની પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી, જે તે સમયે ઘણા યુઝર્સ પાસેથી વસૂલવામાં આવતા રૂ. 3 કરતાં ઘણી વધારે હતી. 10 રૂપિયાનો ચાર્જ વાસ્તવમાં યુઝર્સ પાસેથી લેવામાં આવ્યો ન હતો, જ્યાં તેમને વધુ ફી દર્શાવવામાં આવી હતી અને પછી ફાઇનલ પેમેન્ટ સમયે 5 રૂપિયા લેવામાં આવ્યા હતા.
કેપિટલ માઇન્ડના સીઇઓ દીપક શેનોયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, પ્લેટફોર્મ ફી ગ્રાહકોને પરેશાન કરવાની છે. એટલા માટે મેં હવે સ્વિગી અને ઝોમેટોથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે. આવું કરીને હું ખૂબ જ ખુશ છું. તેમણે લખ્યું કે, આ કંપનીઓ દરેક ઓર્ડર પર ગ્રાહક પાસેથી 6 રૂપિયા વસૂલી રહી છે. આ સિવાય આ લોકો રેસ્ટોરન્ટ પાસેથી પણ 30 ટકા લે છે.