આજે દુર્ગાષ્‍ટમીઃ રાજ્યભરના વિવિધ મંદિરોમાં હોમ-હવન અને નવચંડી યજ્ઞનનું આયોજન

0
40

અમદાવાદ:આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના થાય છે ત્યારે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસર પર રાજ્ય સહિત દેશભરના મંદિરોના ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ- હવન અને નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યાં છે. જેમણે નોરતાના નવ દિવસ ઉપવાસ ન કર્યા હોય તે લોકો પણ આજે આઠમનો ઉપવાસ રાખે છે. આજે દુર્ગાષ્ટમીના રોજ જ્યાં જ્યાં માતાજીના સ્થાપન કર્યા હોય ત્યાં હવન કરવામાં આવે છે. આદ્ય શકિતના અનુષ્ઠાન માટે આજનો દિવસ અતિ ઉત્તમ હોવાથી માઈ ભક્તો આખો દિવસ પૂજા અર્ચનામાં લીન જોવા મળશે. સાથે જ જે ભાવિકો નોરતાના ઉપવાસ કરતા હોય તેવા તેઓ પણ આઠમના દિવસે  ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે.

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. નવરાત્રિની આઠમે અહીં મા કાળીના દર્શનનું અનોખું મહાત્મ્ય હોય છે. અમદાવાદના પૌરાણિક મંદિરોમાં એક ભદ્રકાળી મંદિર છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો માતાજીના મંદિરે પહોંચ્યા છે. આજે અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા માતાજીની આરતી કરવામાં આવશે.

અંબાજીના ચોકમાં 551 દીવાની આરતી

ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો સમન્વય થાય ત્યાં માનવીની તમામ ઈચ્છા ફળીભૂત થાય છે. આણંદ જિલ્લાના લીંગડા ગામના ખેડૂત પુત્ર રોહિત પટેલ ખેતીવાડી વ્યવસાય સાથે સંકળાયેલા છે. બે વર્ષ અગાઉ પોતાની ખેતીવાડી સારી થાય તે માટે અંબાજી મંદિરમાં માતાજીના ચોકમાં501 દીવડા ઉપાડીને આરતી કરવાની બાધા લીધી હતી. તેમની આ મનોકામના પૂરી થઈ હતી, અને ખેતીવાડી ખૂબ સારી થઈ હતી. જેથી રોહિત પટેલ છેલ્લા16 વર્ષથી અંબાજીના ચાચર ચોકમાં551 દીવડાની આરતી પોતાના શરીરે લઈ મા અંબાની અનોખી આરાધના કરે છે. એટલું જ નહિ રોહિત પટેલ નવરાત્રિના નવ દિવસ અલગ અલગ તીર્થ સ્થળોમાં જઈ આ રીતે આરતી કરે છે. જોકે, સારી ખેતી મેળવનાર ખેડૂત રોહિત પટેલે ચાલુ વર્ષે પડી રહેલા વધુ વરસાદને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી.

આવતીકાલે નવરાત્રિનો છેલ્લો દિવસ

આજે દુર્ગાષ્ટમી છે ને આવતી કાલે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. ત્યારે ખેલૈયાઓ પણ નવરાત્રિ પૂર્ણાહુતીના આરે છે. ત્યારે મન મૂકીને રાસ રમી રહ્યાં છે. યાત્રાધામ અંબાજી ખાતેમા અંબાના ચાંચરચોકમાં સાતમાં નોરતે ખેલૈયાઓએ મન ભરીને રાસ રમતા નજરે પડ્યા હતા. જોકે રાસ શરૂ થયા પહેલા વરસાદે ભારે ગર્જના કરી હતી, પણ માતાજીના ચોકમાં આરતી થયા બાદ વરસાદ ન વરસતા ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને દાંડિયા સાથે રાસ રમવાનો આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here