અમદાવાદ : કરફ્યૂમાં બહારગામથી આવતા મુસાફરો અટવાયા, પદયાત્રા કરવા મજબૂર બન્યા.

0
6

અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ ગઈકાલે રાત્રે લાગી ચૂક્યો છે. ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસામ ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા ઉમટ્યા હતા, તે જગ્યાઓ આજે સૂમસામ બની છે. રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે. વહેલી સવારે ફરફ્યુના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા.

પરંતુ જે લોકો બહાર ગામથી અમદાવાદમાં આવી રહ્યાં છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં આવનજાવન માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અન્ય શહેર અને ગામડામાં જવા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને કારણે મુસાફરો અટવાયા છે. અમદાવાદની સનાથળ ચોકડી પર પણ આવી જ સ્થિતિ થઈ છે જ્યાં બહારથી આવતા મુસાફરો રજળી પડ્યા છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનથી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અન્ય શહેર અને ગામડામાં જવા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને કારણે મુસાફરો અટવાયા છે.

રેલવે સ્ટેશન પર પહોંચી રહેલા મુસાફરો આજે સવારથી જ પરેશાન થયા છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પદયાત્રા કરવા મુસાફરો મજબૂર બન્યા છે. હાથમાં સામાન, માથા પર બેગ અને પરિવાર સાથે લોકો માર્ગો પર ચાલતા નજરે પડ્યા. લોકડાઉન સમયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે રીતે લોકો ચાલતા જવા મજબૂર બન્યા હતા, તે દ્રશ્યો ફરી અમદાવાદમાં જોવા મળ્યા. પોતાના ઘર સુધી પહોંચવા, સવારી મેળવવા લોકો અમદાવાદથી બહાર નીકળવા ચાલતા માર્ગો પર નીકળતા જોવા મળ્યા હતા.