રાજકોટ : ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ રહેતા ખેડૂતોમાં રોષ, ગ્રામ પંચાયતમાં VCEની હડતાળને લઈને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તલાટીને સોંપવામાં આવી

0
0

આજે ગાંધી જયંતિ નિમિત્તે રાજકોટ યાર્ડમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ રાખવામાં આવ્યું છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ VCEની હડતાળને લઈને ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખોરવાઈ હતી. જેથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તલાટીને સોંપવામાં આવી છે.

રજિસ્ટ્રેશન કરાવવા આવેલા ખેડૂતોને ધક્કો થતાં રોષ

અધિકારીઓ દ્વારા ગાંધી જયંતીના દિવસે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ હોવાનું કહેવામાં આવ્યું હતું. જેથી વહેલી સવારથી જ ખેડૂતો મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે પહોંચી ગયા હતા. પરંતુ ગાંધી જયંતિની રજા હોવાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. જેથી આજે ખેડૂતોને ધક્કો થતાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે યાર્ડમાં ખેડૂતો માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી.

તલાટી મંત્રીને ગ્રામ પંચાયતના યુઝર આઈડી પાસવર્ડ આપવામાં આવ્યાં

મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં VCE હડતાળના પગલે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખોરવાઈ છે. જેથી રાજકોટના ઇન્ચાર્જ કલેક્ટર અનિક રાણાવસિયાએ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તલાટીને સોંપી છે. જેથી ગ્રામ પંચાયતમાં આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગ્રામ પંચાયતના યુઝર આઈડી પાસવર્ડ પણ તલાટી મંત્રીને આપવામાં આવ્યાં છે. ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here