રાજકોટ : ડુંગળી-બટેટાના ભાવમાં વધારો : ગૃહિણી અને નાના વેપારીઓમાં રોષ.

0
15

શાકભાજીના ભાવ કાબૂમાં આવ્યા બાદ હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ઓછી આવકમાં ડિમાન્ડ નીકળતા બટેટા અને ડુંગળીના ભાવ કિલોના રૂ. 50થી લઇને રૂ. 80 સુધીના થયા છે. હાલ સફરજનના ભાવે ડુંગળી વેચાય રહી છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

હોટલ-રેસ્ટોરન્ટમાં બટેટા-ડુંગળીની માંગ વધી

મુંબઈ, દિલ્હીમાં ડિમાન્ડ વધારે હોવાથી ગુજરાતમાં આવક ઓછી છે. સામાન્ય દિવસોમાં રાજકોટના જૂના યાર્ડમાં બટેટાની આવક 15થી 20 ગાડીની થાય છે, પરંતુ અત્યારે આ આવક માત્ર 10 ગાડીની જ છે. તેવી જ રીતે ડુંગળીની આવક અત્યારે માત્ર 3000 કટ્ટાની છે. જૂના યાર્ડમાં હરાજીમાં બટેટાનો ભાવ રૂ.400-670 ઉપજ્યો હતો અને ડુંગળીનો ભાવ રૂ. 650-1250 બોલાયો હતો. હોટેલ રેસ્ટોરન્ટ શરૂ થતા ડિમાન્ડ પહેલા કરતા વધુ નીકળી છે.

અશ્વિનભાઈ- ડુંગળી-બટેટાના વેપારી અને મનોજભાઈ બટેટાના વેપારી
(અશ્વિનભાઈ- ડુંગળી-બટેટાના વેપારી અને મનોજભાઈ બટેટાના વેપારી)

 

વધુ વરસાદ પડતા માલ બગડી ગયો છે- વેપારી

જંકશન પ્લોટમાં ડુંગળી-બટાટાના વેપારી મનોજભાઈએ જણાવ્યું હતું કે પહેલા બટેટાના ભાવ 30-40 રૂપિયા હતા, પણ હવે 50 રૂપિયા થઈ ગયા છે. માલની આવક ઘટી જતા ભાવમાં વધારો થયો છે. વધુ વરસાદ પડતા માલ બગડી ગયો છે. જેથી ડુંગળી અને બટેટાના ભાવમાં વધારો થયો છે. એક મહિનામાં ભાવ સરખો થઈ જશે. દેવપુરા માર્કેટયાર્ડના વેપારી અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે અત્યારે બટેટાના કિલોના ભાવ 50 રૂપિયા છે. જ્યારે ડુંગળી અત્યારે 100 રૂપિયાની કિલો છે. જેથી ગૃહિણીનું બજેટ ખોરવાય ગયું છે.

ડુંગળી-બટેટાની નવી આવક ન થાય ત્યા સુધી ભાવ રહેશે- શાકમાર્કેટના સેક્રેટરી

લાખાજીરાજ શાકમાર્કેટના સેક્રેટરી પ્રેમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે અત્યારે ડુંગળી અને બટાટાનો ભાવ ઊંચો છે. નાસિકની ડુંગળી આ વખતે એક મહિનો મોડી છે. નવી ડુંગળી અને નવા બટેટાની આવક શરૂ નહીં થાય ત્યા સુધી આ ભાવ રહેશે.

ચંદ્રિકાબેન કાછડિયા અને શોભનાબેન કમાણી: ગૃહિણી
(ચંદ્રિકાબેન કાછડિયા અને શોભનાબેન કમાણી: ગૃહિણી)

 

ભાવમાં વધારો થતાં ઘર ચલાવવામાં થોડી મુશ્કેલી થઈ રહી છે- ગૃહિણી

શહેરના બાલાજી હોલ પાસે રહેલા શોભનાબેન કમાણીએ જણાવ્યું હતું કે અત્યારે ડુંગળી-બટેટાના ભાવ આસમાને પહોંચતા અમારૂ બજેટ ખોરવાઈ ગયું છે. પહેલા ડુંગળી 20 રૂપિયા આસપાસ કિલો મળતી હતી. આજે તે જ ડુંગળીના ભાવ 60-70 રૂપિયા થઈ ગયા છે. જેથી ઘર ચલાવવામાં થોડી મુશ્કેલી થઈ રહી છે. રાજકોટમાં રહેતા ચંદ્રિકાબેન કાછડિયાએ જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ ડુંગળી-બટેટાના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોને મુશ્કેલી થઈ રહી છે.

ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીના પાકને નુકસાન

વેપારીઓના જણાવ્યાનુસાર જે માલ મગાવીએ છીએ તેમાંથી અડધાથી વધુ માલ બગડેલો આવે છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીના પાકને નુકસાન થયું છે. યાર્ડના શાકભાજી વિભાગના કનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂ.100ના કિલો પહોંચેલા મરચાંની સ્થાનિક આવક શરૂ થઈ ગઇ છે. પરિણામે ભાવ કાબૂમાં આવ્યા છે. મહિના પહેલા મરચાં બહારથી આવતા હતા અને હવે અહીંના મરચાં ખેડૂતો રાજસ્થાન મોકલી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here