વડોદરા : પરિવાર ચાર રસ્તા પાસે વ્રજલીલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોમાં આક્રોશ,

0
0

વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે આવેલી વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વર્ષે પણ સોસાયટીમાં પાણી ભરાઇ જતા રહીશોએ શનિવારે રાત્રે પાલિકા વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો.ગત વર્ષે આવેલા પૂરમાં પણ આ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ વખતે પણ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

એક કલાક વરસાદમાં સોસાયટી સ્વિમિંગ પુલ બની જાય છે

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે પરિવાર ચાર રસ્તા નજીક આવેલી વ્રજલીલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જતાં રહીશો રોષે ભરાયા છે અને પાલિકા વિરૂદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સોસાયટીના રહીશ મિતુલભાઇ પટેલે જણાવ્યું હતું કે, વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. માત્ર 1 કલાક વરસાદ પડે તો સોસાયટી સ્વિમિંગ પુલ બની જાય છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં ગટરોના પાણી પણ ઉભરાય છે અને બંને પાણી સોસાયટીમાં ફરી વળે છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવા સહિત પોતાના વાહનો પાર્ક કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે

4થી 5 વખત સ્થાનિક વોર્ડ કચેરી અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે

સોસાયટીના રહીશ નિકિતાબેન જોષીએ જણાવ્યું હતું કે, આ સમસ્યાના નિરાકરણ માટે 4થી 5 વખત સ્થાનિક વોર્ડ કચેરી તેમજ કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા 5 વર્ષથી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.

ગત વર્ષે 31 જુલાઇ-2019ના રોજ પણ સોસાયટીમાં પાણી ભરાયા હતા

ગત વર્ષે 31 જુલાઇ-2019ના રોજ વડોદરા શહેરમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારે પણ વ્રજલીલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. આ વખતે ફરીથી વ્રજલીલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેને પગલે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વહેલીતકે સમસ્યાનું નિવારણ લાવવા માંગ

એક તરફ કોરોના મહામારી હોવાથી લોકો ભયમાં જીવી રહ્યા છે, તો બીજી તરફ આ ગંદકીમાં જીવન ગુજારવું મુશ્કેલ બનતા સોસાયટીના રહીશોએ ગંદા પાણીમાં ઉતરી પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here