વડોદરા : MGVCLના MD અને મેનેજમેન્ટે 800 કર્મચારીને સામૂહિક નોટિસ આપતા રોષ, આવતીકાલે 3500 કર્મચારી એક દિવસની માસ CL ઉતરી જશે

0
3

વડોદરા. મધ્ય ગુજરાત વીજ કંપનીના MD અને મેનેજમેન્ટ દ્વારા વિવિધ કારણોસર 800 જેટલા કર્મચારીને સામૂહિક નોટિસ આપવામાં આવી છે. જેના વિરોધમાં આવતીકાલે પહેલી જુલાઇના રોજ મધ્ય ગુજરાત વીજ કંપનીના 3500 કર્મચારીએ માસ CL ઉપર જવાનો નિર્ણય લીધો છે. વીજ કર્મચારીઓના નિર્ણયના પગલે વીજ પુરવઠા અને મેઇન્ટેનન્સની કામગીરી ઉપર ગંભીર અસર પહોંચવાની શક્યતાઓ છે.

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના અગ્રણી કહે છે કે, અમારૂ આંદોલન જીદ્દી વલણ ધરાવતા MD અને મેનેજમેન્ટ સામે છે

કર્મચારીઓને આપવામાં આવેલી સામૂહિક નોટિસ સામેના આંદોલન માટે બનાવવામાં આવેલા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના અગ્રણીઓ ગીરીશ જોષી, એન.યુ. નાયક અને મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ દરેક ઋતુમાં ખડેપગે ફરજ બજાવે છે. કોરોનાની મહામારીના સમયમાં પણ કામગીરી કરી રહ્યા છે. અમારી કામગીરી સરકારે અને પ્રજાએ પણ બિરદાવી છે. જ્યારે બીજી બાજુ MGVCLના તઘલખી મનોવૃત્તી ધરાવતા MD તુષાર ભટ્ટ અને મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ નાના-મોટા કારણોસર 800 જેટલા કર્મચારીને સામૂહિક નોટિસ આપવામાં આવી છે. જેના વિરોધમાં અમારૂ આંદોલન છે. આ આંદોલન નાણાંકીય લાભ માટેનું નથી. અને સરકાર સામે પણ નથી. પરંતુ, અક્કડ અને જીદ્દી વલણ ધરાવતા MD અને મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સામે છે.

અમારા કર્મચારીઓ પર ખોટી રીતે ત્રાસ ગુજારવામાં આવે તે મંજૂર નથી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા MD તુષાર ભટ્ટ અને મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા 800 જેટલા કર્મચારીને આપવામાં આવેલી નોટિસના વિરોધમાં પહેલી જુલાઇના રોજ 3500 કર્મચારીઓ સામૂહિક રજા ઉપર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા આ આંદોલનથી વીજ પુરવઠો અને મેઇન્ટેનન્સ ઉપર ગંભીર અસર પડશે. પરંતુ, અમારા કર્મચારીઓ ઉપર ખોટી રીતે ત્રાસ ગુજારવામાં આવે તે અમને મંજૂર નથી.