વડોદરા : વીજ કંપનીમાં નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી ઠગે રૂ. 45 લાખ ખંખેર્યાં.

0
28

ઠગ હર્ષિલ લિંબાચીયાનું નોકરી આપવાનું 45 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. પૈસા લીધા બાદ ગોળ ગોળ જવાબ મળતા છેતરાયેલા લોકો નોકરી મેળવવા પેટે આપેલા પૈસા અથવા તો જોબ લેટર લેવા માટે વડોદરા આવ્યા હતા. જ્યાં યુવાનોની ગાડી પર હર્ષિલ લિંબાચીયા અને તેના મળતીયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નોકરી અપાવવાના બહાને છેતયેલા તમામ યુવાનોએ સોમવારે મોડી સાંજે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

વીજ કંપનીની પરીક્ષામાં નોકરી અપાવવા 45 લાખ રૂપિયા લીધા

કોરોનાના કહેર બાદ દેશમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. તેવા સમયે સ્થિતિનો લાભ હર્ષિલ લિંબાચીયા જેવા ધુતારાઓ લઇ રહ્યા છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, કૌભાંડી હર્ષિલ લિંબાચીયા દ્વારા ગાંધીનગરના સર્કિટહાઉસમાં પાર્થ રબારી થકી, જબ્બરસિંહ ગંભીરસિંહ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન હર્ષિલે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. લોકડાઉન પહેલા લેવાયેલી વીજ કંપનીની પરીક્ષા આપ્યા બાદ નોકરી લગાડવા અંગે હર્ષિલને કહેતા હું તમારુ કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું. પૈસા મળ્યા બાદ તમારો ઓર્ડર 5 દિવસમાં થઇ જશે તેવી ખાતરી આપી હતી. આવી જ રીતે અનેક લોકોને વીજકંપનીમાં નોકરીની ખાતરી આપી કુલ રૂ. 45 લાખ હર્ષિલ લીંબાચીયાએ લીધા હતા.

ગાંધીનગરથી આવેલા લોકો પર હર્ષિલ લીંબાચીયા અને તેના મળતિયાઓએ જીવલેણ હુમલો કર્યો

પૈસા મળ્યા બાદ નોકરી અંગે ગોળ ગોળ જવાબ મળતા પૈસા આપનાર છેતરાયા હોવાનું અનુભવી રહ્યા હતા. જેથી હર્ષિલને જોબ લેટર માટે મળવા માટે કપુરાઇ ચોકડી ભેગા થયા હતા. દરમિયાન હર્ષિલ લીંબાચીયાએ પ્રથમ બોલાચાલી કરી, ત્યારબાદ પોતાના માણસો બોલાવીને ઝગડો કર્યો હતો. ત્યારબાદ સમાધાન માટે તમામને હર્ષિલે દરબાર ચોકડી બોલાવ્યા હતા. ગાંધીગનરથી આવેલા લોકો નોકરીનો ઓર્ડર અથવા તો પૈસા પરત લેવા માટે માંગણી કરી તો હર્ષિલના મળતિયાઓએ તેમની પર લોખંડના પાઇપ અને પથ્થરો વડે જીલવેણ હુમલો કર્યો હતો.

હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા
(હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા)

 

પોલીસને જાણ કરતા આરોપીઓ ભાગી છૂટ્યા

આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા હર્ષિલના મળતીયાઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હર્ષિલ લિંબાચીયાથી છેતરાયેલા તમામ ફરિયાદ કરવા માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પ્રથમ તેની ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી. અને ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવાનું રટણ ચાલુ કર્યું હતું. આખરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મોડી સાંજે ફરિયાદ નોંધાઈ હતી.

હર્ષિલની અગાઉ બોગસ માર્કશિટ અને અમુલ પાર્લર શરૂ કરવાના કૌભાંડમાં સંડોવણી બહાર આવી હતી

હર્ષિલ લિંબાચીયા અગાઉ પણ બોગસ માર્કશિટ અને અમુલ પાર્લર શરૂ કરવા માટેના કૌભાંડમાં સંડોવાયેલો હતો. અનેક વખત અલગ-અલગ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમુલ પાર્લરના કૌભાંડમાં તો આણંદ પોલીસે હર્ષિલની વડોદરા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવા છત્તા ધૂતારો લોકોને અલગ અલગ બહાને પૈસા પડાવતો ફરે છે. અને તેની ઠગાઈના શિકાર થનારની સંખ્યામાં વધારો થતો જાય છે.

હર્ષિલ સોશિયલ મીડિયા પર રાજકીય અને પોલીસકર્મીઓ સાથે ફોટા મૂકે છે

હર્ષિલ લિંબાચીયા તેના સોશિયલ મીડિયા પર ભાજપના રાજકીય લોકોના ફોટા અવારનવાર મૂકતો હોય છે. તેની સાથે માંજલપુર પોલીસ સ્ટેશન સહિત અન્ય જગ્યાના પોલીસકર્મીઓ સાથે પણ તેના ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઇ શકાય છે. વગદાર લોકો સાથેના ફોટા મૂકીને પોતે પણ વગ ધરાવતી વ્યક્તિ છે અને કંઇ પણ કરવા સક્ષમ છે, તેવો હાઉ ઉભો કરીને લોકોને ઝાંસામાં લેતો હોય હોય છે. અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો હર્ષિલ લિંબાચીયા બેખૌફ બનીને લોકોને ધુતતો ફરે છે. તેની વાતોમાં અવાર-નવાર રાજકીય સંપર્કો તથા પોલીસના અધિકારીઓ સાથે કેટલો ઘરોબો ધરાવે છે તે છલકાતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here