રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં બહારનો દીપડો ઘૂસ્યો, હરણનું મારણ કર્યું,

0
13

રાજકોટ: શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી મારણ કર્યું હતું. પ્રદ્યુમન પાર્કમાં રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લે છે. આથી સહેલાણીઓની સલામતી ઉપર સવાલ ઉઠ્યો છે. જો કે દીપડો રાત્રીના આવ્યો હોય માનવીઓ પર હુમલો થતો અટક્યો છે. હાલ ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઝૂ પહોંચી ગયા છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. દીપડાને પકડવા માટે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા છે.

ગત રાત્રે 10 વાગ્યા આસપાસનો બનાવ

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 10 વાગ્યા આસપાસનો બનાવ છે. રાતના સ્ટાફે નજરે જોયો હતો. દીપડો હતો અને એક હરણનુ મારણ કર્યું છે. જો કે રાત્રે જ જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ છે. હજુ દીપડો પકડાયો નથી. સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું છે. ઝૂની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે.

દીપડાને પકડવા ઝૂમાં પાંજરા મુકાયા

સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારનવાર સિંહ અને દીપડા આવી ચડતા હોય છે અને માનવીઓ પર હુમલા કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ સિંહ પોતાની ટેરેટરી તોડી રાજકોટની ભાગોળે દેખા દીધા હતા. ત્યારે હવે દીપડો રાજકોટમાં જ ઘૂસી આવ્યો છે. ત્યારે આસપાસની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે રાજકોટ વન વિભાગે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા છે.

અગાઉ પણ ઝૂની બેદરકારી સામે આવી હતી

પ્રદ્યુમન પાર્કમાં અગાઉ પણ સિંહ પાંજરામાંથી બહાર આવી ગયો હતો. આ સમયે ઝૂમાં સહેલાણીઓની સંખ્યા ઓછી હોવાથી જાનહાનિ સર્જાઇ નહોતી. તેમજ ઝૂમાંથી ઘુવડની પણ ચોરી થઇ હતી. આથી ઝૂના અધિકારીઓની ક્યાકને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે. ઝૂની અંદર અમુક સીસીટીવી પણ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રદ્યુમન પાર્કમાં હાલ 55 પ્રજાતિના 430 પ્રાણી-પક્ષીઓ

પ્રદ્યુમન પાર્કમાં હાલ 55 પ્રજાતિના 430 પ્રાણી-પક્ષીઓ આવેલા છે. દરેક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here