ઓવૈસી યોગી સરકારમાં સહયોગી રહેલા રાજભરને મળ્યા, ભાજપ પર કટાક્ષ કરતાં ઓવૈસીએ કહ્યું- નામ બદલવા નહીં, દિલોને જીતવા આવ્યો છું

0
5

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી બુધવારે લખનૌ પહોંચ્યા હતા. અહીં તેમણે એક હોટલમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) પ્રમુખ અને યોગી સરકારના સાથી ઓમ પ્રકાશ રાજભર સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઓવૈસીએ કહ્યું, “હું નામ બદલવા માટે નથી આવ્યો, હું દિલોને જીતવા આવ્યો છું”. આ ભાજપ પર કટાક્ષ હતો. ખરેખર, હૈદરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવાનું વચન આપ્યું હતું.

એવું માનવામાં આવે છે કે ઓવૈસી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (પ્રસપા)ના અધ્યક્ષ શિવપાલ યાદવને પણ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓવૈસી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે અહીં ગઠબંધનનાં નવાં સમીકરણો શોધવા આવ્યા છે. એક દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુપી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરી છે.

બિહારમાં જીતથી ઓવૈસીનો ઇરાદો મજબૂત થયો
2017માં ઉત્તરપ્રદેશની 34 બેઠક પર ઓવૈસીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ તેમને એક પણ બેઠક પર જીત મળી ન હતી. ખરેખર હાલમાં જ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીને પાંચ બેઠક મળી છે. એનાથી તેમનો ઇરાદો મજબૂત થયો છે અને હવે તેઓ ઉત્તરપ્રદેશ પર ફોકસ વધારી રહ્યા છે. હાલમાં જ પ્રસપા અધ્યક્ષ શિવપાલ યાદવે પણ ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધનના સંકેત આપ્યા હતા. આ તરફ બસપા સાથે પણ ઓવૈસીની વાતચીતની ચર્ચા થઈ રહી છે.

ઓવૈસી સાથે દલિત-મુસ્લિમ કાર્ડ રમી શકે છે માયાવતી
વરિષ્ઠ પત્રકાર નાવેદ શિકોહે કહ્યું, ‘માયાવતીના યુપીમાં ભાજપ સાથેના સંબંધો હમણાં નરમ છે, પરંતુ ભાજપને હાલ એટલો મોહ નથી કે યુપીની વિધાનસભાની ચૂંટણીમાં તે બસપા સાથે હાથ મિલાવે. બીજી તરફ, બસપા કોઈપણ ટેકા વિના યુપી વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાની સ્થિતિમાં પણ નથી.

સૂત્રો કહી રહ્યાં છે કે તે ઓવૈસી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં મજબૂત દલિત-મુસ્લિમ કાર્ડ રમવા માગે છે, જેથી વિરોધીઓને કાંટાની ટક્કર આપી શકે. બિહારમાં, બસપા ઓવૈસી સાથે ગઠબંધન ધર્મ નિભાવીને AIMIMને પાંચ બેઠક મેળવવામાં પણ તે મદદરૂપ સાબિત થઇ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here