પાદરા: પાદરાના ડભાસ રોડ પર આવેલી ખાનગી કંપનીમાં હળતાળી કામદારો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ કંપનીમાં પ્રવેશ કરવાના મુદ્દે આમને સામને આવી ગયા હતા. સામ-સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા સાથે મામલો બીચકતા મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો.
પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલ મહલી તળાવ પાસે સુપર ઈન્દ્રસ્ટ્રીઝ નામની પ્રાઇવેટ કંપનીમાં કંપનીના 80 જેટલા કામદારો છેલ્લા એક મહિનાથી હડતાળ આંદોલન ચલાવી રહ્યા છે. હડતાળ ચલાવી રહેલા કામદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કંપનીમાં કામદારોને કોઈ પણ સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. જેના અનુસંધાને માંગણીની રજૂઆત કરવા માટે ગયેલા 11 કામદારોને કંપની દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા અને તમામનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને છેલ્લા એક મહિનાથી કંપની સામે 80 જેટલા કામદારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.
આજે કંપનીના ઓફિસ સ્ટાફ અને આંદોલનકારી કામદારો વચ્ચે કંપનીમાં જવાના મુદ્દે મામલો બીચક્યો હતો. જેમાં કામદારો અને ઓફિસનો સ્ટાફના કર્મચારીઓ આમને સામને આવી ગયા હતા. વાતાવરણ વધારે ઉગ્ર બનતા મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં આંદોલનકારી કામદારોએ કંપની મેનેજમેન્ટ સામે ભારે સૂત્રોચ્ચાર સાથે આક્ષેપો કર્યા હતા. માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
કંપનીમાં અમને કોઇ સુવિધા આપતા નથી
કંપની અમારી માંગણીઓનો સ્વીકાર કરતી નથી. અમને કોઈ સુવિધા આપતા નથી. કંપની લોક આઉટ કર્યાં છે છતાં બીજા કામદારો લે છે.- કમલેશભાઈ ગોહિલ કંપની કામદાર, પાદરા
લેબર કમિશનરનો નિર્ણય આખરી ગણાશે
આ મામલો લેબર કમિશનરમાં ગયો છે અને સોમવારે તેની મીટિંગ છે. તેમાં જે નિર્ણય થશે તે પ્રમાણે નક્કી થશે.-તુષારભાઈ શાહ, કંપની મેનેજર, સુપર કંપની ,પાદરા
માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
છેલ્લ એક મહિનાથી વિવિધ માંગણીને લઇને કામદારો દ્વારા આંદોલન ચાલલવામાં આવી રહ્યું છે. ત્યારે જો માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.