વિનાશક પૂરની બીજી વરસી : પૂર પછી સરકારના વાયદા પણ પૂરમાં તણાયા, ખારિયાની 17 જિંદગી તણાઈ હતી, એકનો તો હજુ પત્તો નથી

0
27

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પાછલા બે વર્ષથી બિલકુલ વરસાદ નથી. હાલ વરસાદની જરૂરિયાત છે. લોકો વરસાદ માટે પ્રાર્થના આજીજી કરી રહ્યા છે. એનાથી સાવ ઊલટું 2017માં વરસાદે આજ દિવસે કહેર વર્તવ્યો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાત્રે બનાસ નદીમાં આવેલા ઘૂઘવતા પૂરમાં કાંકરેજ તાલુકાના ખારિયા, રૂની અને રાણકપુર સહિત 10થી વધુ ગામો આખેઆખાં તારાજ થઇ ગયાં હતાં. 23થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને એક હજારથી વધુ પશુ મોતને ભેટ્યા હતા. કુદરતના આ કહેરમાં હજારો ખેડૂતો બરબાદ થયા, ખેતીની જમીન ઉપર બનાસની માટીનાં થર પથરાઇ ગયાં, ખેડૂતોને બેઠા કરવા સરકારે વળતર આપ્યા. પરંતુ તેમાં પણ ભેદભાવ થયા. જરૂરિયાતમંદો રહી ગયા અને લાગવગવાળા લઈ ગયા જેવો ઘાટ ઘડાયો. આજે આ વિનાશની વરસીને બે વર્ષ પૂરા થયાં છે. પરંતુ ભયાનક યાદો હજુ પણ લોકોના દિલોદિમાગમાં એવી ને એવી જ છે. એ દિવસો યાદ કરતાં જ હચમચી જાય છે, આંખોમાં આંસુ સરી પડે છે, કારણ નજર સામે ઘરના આશિયાનાને પડતો જોયો છે. જેમને પોતાના જણ ગુમાવ્યા છે તે હજુ યાદ કરી કરીને રડી લે છે. તો બીજી બાજુ સરકારે તે સમયે કરેલા વાયદા હજુ પૂર્ણ થયા નથી. નવા મકાનો, રોડ, શાળાના ઓરડા સહિતની પાયાની જરૂરિયાતો પૂરી નહીં થતાં લોકો ભારે હાડમારી વેઠી રહ્યા છે.

ખારિયાની 17 જિંદગી તણાઈ હતી, એકનો તો હજુ પત્તો નથી
કાંકરેજ તાલુકાના ખારિયા ગામની સીમમાં પૂરના કારણે ખેતરમાં ઘર બાંધીને રહેતા નવાજી ઠાકોર પરિવારના 16 સભ્યોનાં મોત થયાં હતાં. તેમાંથી હજી એક સભ્ય અનુષ્કાનો તો હજી પત્તો પણ મળ્યો નથી.તો પૂરના કારણે જીવ ગુમાવનારના પરિવારજનોના પુનઃવસન માટે 100 વારના પ્લોટની સનદો લાભાર્થીઓને 20 જૂન, 2018ના રોજ અપાઇ છે, પરંતુ હજી સુધી બાંધકામ કરાયું નથી કે કબજો પણ સોંપાયો નથી. કાંકરેજના ધારાસભ્ય પણ આ ગામના જ છે, તેઓ પણ પૂરમાં ફસાયા હતા. હવે ખારિયા સહિતના અસરગ્રસ્ત ગામોના લોકો તેમની પાસે વિકાસની વિશેષ આશા રાખીને બેઠા છે. પૂરની અસર સુદ્રોસણ અને સોનપુરાને પણ થઇ હતી. આ ગામના પશુપાલકોના અનેક પશુ તણાઇ ગયા હતા. જોકે, હજુ સુધી પશુસહાય નહીં મળતાં ગામલોકોએ જાહેરહિતની અરજી નામદાર હાઇકોર્ટમાં દાખલ કરી છે.

ભયાનક પૂરમાં મારા માતા-પિતા અને ભાઇ નજર સામે તણાઇ ગયા, કેવી રીતે જીવ ગયો હશે?
ખારિયા ગામના લાલાભાઈ ભેમાજી ઠાકોરે જણાવ્યું હતું કે “પૂરમાં મારા માતા-પિતા અને ભાઇ સહિત મારી નજર સામે થયા છે. તમે કેવી રીતે બચ્યા તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ‘મારા હાથમાં લીમડાની ડાળી આવી ગયી અને હું બચી ગયો હતો અને બાકીના સભ્યો જે મકાનની ઉપર બેઠા હતા તે કાચું મકાન ધરાશાયી થતાં તણાયા હતા. આજે એ ઘટના યાદ કરું તો રડવું આવી જાય છે. કેવી રીતે એમનો પ્રાણ ગયો હશે ?’ એવો વિચાર જ ગભરાવી મૂકે છે.

સોનપુરા અને સાકરિયામાં પીવા પાણીની સમસ્યા 
સાકરિયા અને ભદ્રેવાડી, ટોટાણા, સદારામપુરા જવા માટે રોડની જરૂર છે. દેવપુરા, પાદર, કસલપુરા, આંગણવાડા ગામોમાં સ્કૂલોમાં રૂમોની જરૂર છે. સોનપુરા તેમજ સાકરિયામાં પીવા પાણીની ખૂબ જ તકલીફ છે.

ખેડૂતોના ફેલ ગયેલા બોરનું વળતર મળ્યું નથી
જિલ્લા પંચાયતના સદસ્યો ભૂપતજી ઠાકોર અને પુરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સરકારે એ સમયે વિકાસની મોટી મોટી વાતો કરી હતી, પરંતુ પૂરમાં નુકસાન થયેલ તેની કામગીરી હજુ બાકી છે. પૂર હોનારતમાં અનેક ખેડૂતોના બોર ફેલ ગયા હતા, તેનું વળતર આજેય મળ્યું નથી. ખારિયા અને મોટા જામપુરના ઓઢામાં બનાવેલા શૌચાલયનું વળતર મળ્યું નથી. સરકારે બજેટમાં રોડના કામો લીધા, તેમાં પૂરગ્રસ્ત ગામોનો સમાવેશ કર્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here