Wednesday, January 19, 2022
Homeગુજરાતપાલનપુર : એપ્રેન્ટીસશીપ અને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયું

પાલનપુર : એપ્રેન્ટીસશીપ અને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયું

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિવસ તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર-2021 સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે પાલનપુર ખાતે કાનુભાઇ મહેતા હોલમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં લોકસભાના સાંસદ પરબતભાઇ પટેલ અને રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે યુવાનોને રોજગારીપત્રો, એપ્રેન્ટીસશીપ અને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

સાંસદ પરબતભાઇ પટેલે રોજગારી મેળવનાર યુવાનોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની સાથે સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિવસ તા. 25 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. નાના કર્મચારીના વાણી-વર્તન અને લોકોના સાથેના વ્યવહાર તથા તેની કામગીરીથી સરકારની કામગીરીની ઓળખ થતી હોય છે ત્યારે આપણે સારી કામગીરી કરી લોકોને મદદરૂપ થઇએ. તેમણે ભૂતકાળની સરકારો સાથે વર્તમાન સરકારની તુલના કરતાં જણાવ્યું કે, ભૂતકાળની સરકારોએ સરકારી ભરતીઓ પર કાપ અને પ્રતિબંધો મુકી દીધા હતા.

કર્મચારીઓના પગાર કરવા સરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડતો એવા દિવસો પણ આપણે જોયા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ વિભાગમાં ભરતીઓ શરૂ કરી ભરતીના નવા દ્વાર ખોલ્યા હતા. વર્ષ-2005 પછી તમામ વિભાગોમાં માત્ર મેરીટના આધારે પારદર્શક પધ્ધતિથી રાજય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે. લાગવગ અને ભ્રષ્ટારચારને નાબૂદ કરવા પી. એસ. આઇ. વર્ગ-૩ સુધીની તમામ ભરતીઓમાંથી મૌખિક ઇન્ટરવ્યું કાઢી નાખી માત્ર મેરીટના આધારે નિમણુંક આપવામાં આવે છે. જેના લીધે હવે ગરીબ ઘરના દિકરા-દિકરીઓ પણ સરકારી નોકરી મેળવતા થયા છે જે સરકારની નીતિને આભારી છે તેમ તેમણે જણાવ્યું હતું.

સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર નો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી. રાજયના છેવાડાના વિસ્તારના બાળકો પણ ભણી-ગણીને આગળ વધે તે માટે દરેક તાલુકાઓમાં આઇ. ટી. આઇ. અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાઇવેટ કંપનીઓમાં નોકરીઓ માટે પણ ભરતી મેળાઓ યોજીને બનાસકાંઠા જિલ્લાના 1098 તાલીમબધ્ધ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં યુવાનો કોલ સેન્ટરના માધ્યમથી કોઇપણ અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી ટેલીફોનિકથી મેળવી શકે તે માટે દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં રોજગાર સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા એક સિંગલ નંબર. 63-57-390-390 ડાયલ કરીને મેળવી શકાય છે તેનો લાભ લેવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો. સાંસદએ કહ્યું કે, યુવાનો નોકરી મેળવનાર નહીં પરંતુ નોકરીદાતા બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી યોજનાઓ અમલી બનાવાઇ છે.

આજના સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં આપણી રસ- ઋચિ પ્રમાણે ટેકનોલોજીના માધ્યમથી મનગમતા ક્ષેત્રમાં આગળ વધીએ. સરકારના આગોતરા આયોજનના લીધે આપણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી હેમખેમ બહાર નિકળ્યા છીએ. હવે જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વર્તાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે પરંતું આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઇએ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ જેથી સુરક્ષિત રહી શકીએ.

રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તા. 25 ડિસેમ્બર- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસથી સુશાસન સપ્તાજહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, પહેલાના સમયમાં સગાવ્હાલાઓ અને ઓળખીતાઓને જ સરકારી નોકરીઓ મળતી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું ત્યારથી રાજયમાં મેરીટના ધોરણે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા થાય છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળની સરકારોએ ભરતીઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો એટલે ભણેલા-ગણેલા યુવાનો રોજગારી માટે ફરતા હતાં. આજે ગુજરાતમાં દરેક તાલુકા મથકોએ શરૂ કરવામાં આવેલ આઇ. ટી. આઇ. માં કૌશલ્યનું નિર્માણ થઇ રહ્યુ છે.

તાલીમબદ્ધ યુવાનોને સરકારી અને પ્રાઇવેટ કંપનીઓમાં રોજગારી આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં લાખો યુવાનોને નોકરી આપવામાં આવી છે. યુવાનોને નવો ધંધો- રોજગાર શરૂ કરવા મુદ્રા યોજના હેઠળ લોન આપવામાં આવે છે જેનો લાભ લઇને યુવાનો આર્થિક રીતે પગભર થઇ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular