ફાયર વિભાગની 10 વધુ ગાડીઓ પહોંચી ઘટના સ્થળે
પોલીસ કાફલો પણ દોડી આવ્યો ઘટના સ્થળે
15 જેટલા કર્મચારીઓને રેસ્ક્યુ કરી કાઢવામાં આવ્યા બહાર
સુરત શહેરમાં વધુ એક મીલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેને લઇ મીલમાં અને આ વિસ્તારમાં અફરાતરીનો માહોલ સર્જાયો હતો. મીલમાં આગ લાગી હોવાની જાણ થતા જ કર્મચારીઓથી ધમધમી રહેલી મીલમાં નાસભાગ મચી જવા પામી હતી.આગની આ ઘટનાને એક કર્મચારી દ્વારા આગ થી બચવા પહેલા માળેથી કુદી પડતા તેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે આ ઘટનામાં બે કર્મચારીઓ 25 થી 30 ટકા દાઝી ગયા હતા. જેને લઇ બંને કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે રીતે ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી તેને લઈ જુદા જુદા ચાર ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. મજુરા, ડીંડોલી ,માનદરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇ ફાયર વિભાગ દ્વારા જણાવાવમાં આવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી તે હજી જાણવા મળી આવ્યું નથી. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાને મીલમાં આવેલા સેન્ટર મશીનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. ઘટના સ્થળે ફાયર વિભાગ પહોંચ્યા બાદ આગ પર કાબુ મેળવવાની સાથે સાથે મીલના બીજા માળે ફસાયેલા 15 જેટલા કર્મચારીઓને હાઇડ્રોલિક મશીન અને સીડી મારફતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આગની ઘટનાની જાણ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.