અમરેલીના SP નિર્લીપ્ત રાયને ધમકી આપ્યા પછી- ગભરાઈ ગયેલી સોનું ડાંગર 5 દિ સુધી ઉદેપુરની હોટલમાં ભરાઈ રહી

0
37

અમરેલી : પોતાને ગેંગસ્ટર સમજતી અને લેડી ડોન તરીકે ઓળખાવતી સોનું ડાંગરે અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અને મહિલા પીએસઆઈ ડોડિયાને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ અમરેલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ સોનું ડાંગર પોલીસની બીકે ફરાર થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્રમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ સોનું ડાંગર અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી તે પછી અમરેલી પોલીસને સોંપવામાં આવી હતી. અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અને મહિલા પીએસઆઈ ડોડિયાએ સોનું ડાંગરને સમજાય તેવી ભાષામાં તેની ખાતેરદારી કરી હતી. જેના કારણે જામીન પર છૂટ્યા પછી સોનું ડાંગરે એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયોમાં તેણે અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અને પીએસઆઈ ડોડિયા વિરુદ્ધ ધાર્મિક ઉચ્ચારણો કર્યા હતા. તેમ જ રિમાન્ડ દરમિયાન તેની સાથે થયેલા વ્યવહાર માટે જોઈ લેવાની ધમકી પણ આપી હતી.

વીડિયો વાયરલ થયા બાદ અમરેલીના એસપીએ સોનું ડાંગર સામે વધુ એક ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે પોલીસે પોલીસના કામમાં રુકાવટ કરવાનો, પોલીસ અધિકારીને ધમકી આપવાનો, ધાર્મિક લાગણો ભડકાવવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ વીડિયો બનાવવા માટે સોનું સાથે અન્ય લોકો પણ સામેલ હતા. આમ સમગ્ર ઘટના પૂર્વયોજીત હતી. જેના કારણે પોલીસે કાવતરાની કલમ પણ ઉમેરી હતી.

અમરેલી પોલીસે ફરાર થયેલી સોનુંને ઝડપી લેવા માટે ટેક્નીકલ સર્વેલન્સનો સહારો લેતા સોનું ઉદેપુરની એક હોટલમાં હોવાની જાણકારી મળી હતી. હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી સોનુંને ઝડપી લેવા માટે અમરેલી પોલીસની ટીમ ઉદેપુર રવાના થઈ હતી. જેમાં મહિલા પોલીસ અધિકારીઓને પણ શામેલ કરાયા હતા. સોનું જે હોટલમાં છેલ્લા પાંચ દિવસથી રોકાઈ હતી તે હોટલમાં જઈ તપાસ કરતાં હોટલના મેનેજરે જણાવ્યું કે તેમના હોટલમાં ઉતરેલી આ મહિલા છેલ્લા પાંચ દિવસથી પોતાના રૂમની બહાર નીકળી જ નથી. તે હોટલના રૂમમાં નોનવેજ અને દારુ મંગાવી લેતી હતી.

અમરેલી પોલીસે પૂરતી ચકાસણી અને તકેદારી બાદ, સોનું ડાંગર જે રૂમમાં રોકાઈ હતી તે નોક કરતાં સોનુંએ જ દરવાજો ખોલ્યો હતો અને પોલીસને જોતાં જ તેના હોશ ઉડી ગયા હતા. મહિલા પીએસઆઈ ડોડિયા સાથે એક બે હાથ કરી લેવાની ધમકી આપનાર સોનું સામે જ્યારે પોલીસ આવી ત્યારે તે રીતસર ધ્રુજવા લાગી હતી. અમરેલી પોલીસની ટીમ ઉદેપુરથી તેને શનિવારે અમરેલી લઈ આવી છે જ્યાં તેની સત્તાવાર ધરપકડ દર્શાવાઈ છે. અમરેલીના એસપી નિર્લીપ્ત રાયે જણાવ્યું કે, આ મામલામાં હજી વધુ ધરપકડો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here