રાજકોટ : જીવંતિકા માતાના મંદિરમાં પાણીપુરી, હોટડોગ અને પિઝાનો પ્રસાદ ધરાવાય છે, ભક્તો ઓનલાઈન દર્શન પણ કરી શકે છે

0
0

જીવંતિકા માતાના વ્રતનો મહિલા સ્કંદ પુરાણમાં અનેરૂ મહત્વ છે. સંતાનના આરોગ્ય અને તેમના લાંબા આયુષ્ય માટે મહિલાઓ જીવંતિકા માતાની પૂજા કરે છે. માતા જીવંતિકા સંતાનોની રક્ષા કરે છે અને તેમની મુશ્કેલીઓને દૂર કરે છે તેવી માન્યતા છે. ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ સહિતનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કહેવાય છે કે બાળકોની પ્રિય વાનગી માતાજીને અર્પણ કરવાથી માતાજી પણ ખુશ થાય છે. બીજી તરફ ભક્તો જીવંતિકા માતાજીના ઓનલાઈન દર્શન પણ કરી શકે છે.

બાળકોની પ્રિય વાનગી માતાજીને અર્પણ કરવાથી માતાજી પણ ખુશ થાય છે
(બાળકોની પ્રિય વાનગી માતાજીને અર્પણ કરવાથી માતાજી પણ ખુશ થાય છે)

 

બાળકોને પ્રિય પાણી-પુરીનો પ્રસાદ ધરાવવાની માનતા રાખી હતીઃ શારદાબેન

ગોંડલમાં રહેતા શારદાબેન નગેવાડિયાએ જણાવ્યું હતું કે મારા દિકરાને તાવ આવતો હતો અને બીમાર રહેતો હતો. આથી મેં જીવંતિકા માતાજીની માનતા રાખી હતી. બાળકોને પ્રિય જે વસ્તુ હોય તેનો પ્રસાદ ધરાવવાની માનતા રાખી હતી. મારા દિકરાને પાણીપુરી પ્રિય છે એટલે અમે આજે માતાજીને પાણીપુરીનો પ્રસાદ ધરાવ્યો છે.

અમે આજે માતાજીને પાણીપુરીનો પ્રસાદ ધરાવ્યો છે- શારદાબેન
(અમે આજે માતાજીને પાણીપુરીનો પ્રસાદ ધરાવ્યો છે- શારદાબેન)

 

બાળકોની પ્રિય વાનગીઓનો ભોગ માતાને અર્પણ કરીએ છીએઃ મંદિરના આચાર્ય

મંદિરના આચાર્યએ જણાવ્યું હતું કે અત્યારે કળિયુગ છે. જીવંતિકા માતા બાળકોના માતાજી છે. જેથી બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. આપણે જેમ આપણા બાળકોને પ્રિય વસ્તુ આપીએ તો બાળકોની સાથે સાથે તેના માતા-પિતા પણ ખુશ થાય છે. તેવી જ રીતે માતાજીને પણ બાળકોની વસ્તુ પ્રસાદરૂપે ધરવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. અત્યારના બાળકોને ભેળ, વડાપાઉં, સેન્ડવિચ, હોટડોગ, પાણીપુરી અને પિઝા ભાવે છે. જેથી અમે માતાજીને આ અવનવી વાનગીઓ ધરાવીએ છીએ.

જીવંતિકા માતાનું મંદિર ભકતોની આસ્થાનું કેન્દ્ર છે
(જીવંતિકા માતાનું મંદિર ભકતોની આસ્થાનું કેન્દ્ર છે)

 

આરતી બાદ બાળકોને ચટાકેદાર પ્રસાદ આપવામાં આવે છે

રાજકોટના રજપુતપરામાં આવેલું જીવંતિકા માતાનું મંદિર ભકતોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં સંધ્યા આરતી માટે મોટી સંખ્યામાં બાળકો મંદિરે આવે છે. આરતી બાદ બાળકોને માતાજીનો ચટાકેદાર પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદમાં ચટાકેદાર પાણીપુરી, પિઝા, હોટડોગ વગેરેનો હોય છે. બાળકોની રક્ષા કરતાં માતા જીવંતિકાનો આવો પ્રસાદ ગ્રહણ કરી બાળકો પણ ખુશ ખુશાલ થઇ જાય છે.

ભોગ માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે
(ભોગ માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે)

 

આ મંદિરની પ્રખ્યાતી વિદેશ સુધી ફેલાયેલી છે

રાજકોટના આ મંદિર પર લોકોની આસ્થા અડગ છે. માન્યતા છે કે આ મંદિરે દર્શન કરી માનતા રાખનારની મનની ઇચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરની પ્રખ્યાતી વિદેશ સુધી ફેલાયેલી છે. જીવંતિકા માતાની માનતા વિદેશમાં વસતા પરિવારો પણ રાખે છે અને માનતા પુરી થયા બાદ અહીં વિદેશથી ચોકલેટ, બિસ્કિટના પાર્સલ મોકલવામાં આવે છે. જે માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. મંદિરમાં રોજ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે. અહીં ભકતો પાણીપુરી, ચોકલેટ, પિઝા, કોલ્ડ્રીંકસ ધરાવે છે. જીવંતિકા માતાના દર્શન ભકતો ઘર બેઠા ઈન્ટરનેટના માધ્યમથી પણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here