સુરત : અડાજણની શિશુવિહાર સ્કૂલ દ્વારા ફીની માંગ કરાતા વાલીઓએ ઘરણાં પ્રદર્શન કર્યા

0
4

સુરત. અડાજણ વિસ્તારમાં આવેલી શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ધરણા પ્રદર્શન યોજ્યાં છે. શાળામાં ઓનલાઇન અભ્યાસના નામે ફી ઉધરાવાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. કોરોના કહેર વચ્ચે ઓનલાઈન અભ્યાસના નામે ફી વધારવા દબાણ કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. શિશુવિહાર સ્કૂલ દ્વારા ફી વસુલવાની નોટિસ આપવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે.ઓનલાઈન અભ્યાસ દરમ્યાન શાળા બંધ હોવા છતાં એક્ટિવિટી ફીના નામે 3 હજાર કરતા વધુ ફી શાળા સંચાલકો દ્વારા માંગવામાં આવી હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો છે.શાળાના આચાર્યએ કહ્યું કે, ફી માટે દબાણ નથી. નવમાં ધોરણમાં એડમિશન મેળવનારાને ટોકન પેટે કંઈક આપવા કહેવામાં આવ્યું છે.

એડમિશન કેન્સલ કરાવવાનું દબાણ કરાયાના આક્ષેપ
અડાજણની સ્કૂલમાં વિરોધ પ્રદર્શિત કરી રહેલા વાલીઓએ કહ્યું કે, શાળા સંચાલકોએ ફી નહીં ભરો તો એડમિશન કેન્સલ કરવાની ધમકી આપી છે. હાલ લોકો પાસે ઘરખર્ચના રૂપિયા બચ્યા નથી. ઉદ્યોગ ધંધા નોકરી ચાલતા નથી ત્યારે સ્કૂલ દ્વારા બાળકોના ભોજનનો કોળિયો છીનવીને ફી માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે. દરવર્ષે અનેક એક્ટિવિટિ અને વિવિધ નામે ફી ભરતા વાલીઓને થોડો સમય આપવા માંગ કરવામાં આવી હતી.

એડમિશન લેનારને ટોકન જમા કરાવવા કહેવાયું
સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, હાલ સ્કૂલ બંધ છે. નવમાં ધોરણમાં હાલમાં એડમિશનની પ્રક્રિયા ચાલે છે. નવમાં ધોરણમાં એડમિશન લેનારને ફી ભરવા અથવા ટોકન પેટે કંઈક જમા કરાવવા કહેવામાં આવે છે. ગત વર્ષની પણ ફી ઘણા વાલીઓએ ભરી નથી તેમને કોઈ જ દબાણ કરવામાં આવ્યું નથી.