Friday, April 19, 2024
Homeરાજકોટ : ધો.9 -11ની સ્કૂલ અને ક્લાસિસ ખોલવાના સરકારના નિર્ણયથી રાજકોટમાં વાલીઓ...
Array

રાજકોટ : ધો.9 -11ની સ્કૂલ અને ક્લાસિસ ખોલવાના સરકારના નિર્ણયથી રાજકોટમાં વાલીઓ નારાજ

- Advertisement -

કોરોના મહામારીને કારણે છેલ્લા 10 મહિનાથી ધો.1થી 9 અને 11ની સ્કૂલો બંધ છે. હાલ આ ધોરણના વિદ્યાર્થીઓનો ઓનલાઇન અભ્યાસ શરૂ છે. જ્યારે ટ્યૂશન ક્લાસિસ પણ બંધ છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધો.9 અને 11ની સ્કૂલો અને ટ્યૂશન ક્લાસિસ 1 ફેબ્રુઆરીથી ખોલવાની મંજૂરી આપી છે. ધો.9-11ના વિદ્યાર્થીઓના વાલીઓ નારાજ હોવાનું જાણવા મળ્યું હતું અને સવાલ કર્યો હતો કે, આ બધુ ફી માટે થાય છે, કોરોના આવશે તો જવાબદાર કોણ? બીજી તરફ ટ્યૂશન ક્લાસિસના સંચાલકો ખુશ જણાયા હતા.

અમે લોકો હજી ગુલામ જ છીએ, આઝાદીમાં આવ્યા જ નથી-વાલી

વિરેન્દ્રસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે, ધો.10 અને 12ની સ્કૂલ ખોલવાનો નિર્ણય આવ્યો ત્યારે આપણે બધાએ સ્વીકાર્યો હતો. કારણ કે, આ ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. તેમજ એ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા હોવાથી સ્કૂલ ચાલુ કરવી તે બરોબર છે. આજે ધો.9 અને 11ની સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય આવ્યો છે પછી 1થી 8ની સ્કૂલ ચાલુ કરવા કહેશે. આમાં અમારે કરવાનું શું? તે જ ખબર પડતી નથી. ભાજપ સરકારનું કહેવાનું થાય છે શું? સ્કૂલ સંચાલકોને ફી અપાવવી છે? કોરોના આવશે તો જવાબદાર કોણ? જેવા સવાલો ઉઠી રહ્યાં છે. અમે લોકો તો સરકારના ગુલામ જ છીએ અને ગુલામ જ રહેવાના છીએ, હજી અમે આઝાદીમાં આવ્યા જ નથી. ધો.10અને 12ના વિદ્યાર્થીઓને ફી ભરવા માટે ટોર્ચર કરવામાં આવે છે.

નિલેશભાઇ વાળા નામના વાલીએ નારાજગી વ્યક્ત કરી.

નિલેશભાઇ વાળા નામના વાલીએ નારાજગી વ્યક્ત કરી.

જીવના જોખમે બાળકોને શું કામ મોકલીએ, ઓનલાઇન જ ભણાવો- વાલી

નિલેશભાઇ વાળા નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફી માફ કરવામાં આવે તે માટે અમે એક અભિયાન ચલાવી રહ્યાં છીએ. આજે સરકારનો નિર્ણય આવ્યો છે કે ધો.9 અને 11ની સ્કૂલ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવશે. SOP પ્રમાણે સરકાર પણ એવું કહે છે કે, વાલીઓ લેખિતમાં મંજૂરી આપે પછી જ સ્કૂલે આવી શકશે. સ્કૂલ સંચાલકો દ્વારા પણ વાલીઓને કહેવામાં આવે છે કે લેખિતમાં આપો પછી જ તમારા બાળકોને સ્કૂલે આવવા દઇશું. આનો મતલબ એ થયો કે સ્કૂલ સંચાલકો અને સરકારને હજી પુરો વિશ્વાસ નથી કે કોરોના પુરી રીતે જતો રહ્યો છે. જીવના જોખમે આપણે બાળકોને સ્કૂલે શું કામ મોકલવા જોઇએ. આટલો સમય ગયો છે તો હજી ચાર મહિના જવા દ્યો, ઓનલાઇનથી જ ભણાવો તેવો મારો આગ્રહ છે.

ટ્યૂશન ક્લાસિસના સંચાલકોએ નિર્ણયને આવકારદાયક પગલું ગણાવ્યું

​​​​​​​ટ્યૂશન ક્લાસિસના સંચાલક કલ્પેશ કોટકે જણાવ્યું હતું કે, સરકારે ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપી છે તે એક આવકારદાયક પગલું છે. આ વર્ષે જે બાળકો ધો.9 અને 11માં છે તેઓ આવતા વર્ષે બોર્ડની પરીક્ષામાં આવશે. તેઓને પરીક્ષાની તૈયારી કરવા માટેનું સારૂ માર્ગદર્શન મળી રહેશે. તેમજ જે બાળકો આ વર્ષે ધો.10 અને 12માં છે તેને પણ ટૂંકા સમયમાં ખૂબ સારૂ માર્ગદર્શન મળી રહેશે.

ટ્યૂશન ક્લાસિસને મંજૂરી મળતા સંચાલકોમાં હાશકારો

સર ક્લાસિસના સંચાલક જગદીશભાઇ પદમાણીએ જણાવ્યું હતું કે, આજના નિર્ણયને અમે આવકારીએ છીએ. ખૂબ જ સારો નિર્ણય છે. આ નિર્ણય લઇને સરકારે ખરેખર આજની પેઢીને બચાવવાની પુરી કોશિશ કરી છે. હવેના ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓને જેટલું બને તેટલું શિક્ષણ આપી કવર કરી લેશું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નાના-મોટા 500 જેટલા ટ્યુશન ક્લાસિસ છે. જેમાં ધો.9 અને 11ના વિદ્યાર્થીઓ માટે જ ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ક્લાસિસ છેલ્લા 10 મહનાથી બંધ હતા. પરંતુ હવે સરકારના નિર્ણયથી સંચાલકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular