રાજકોટ : ગોંડલના ઘોઘાવદર ગામે ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી

0
6

ગોંડલ. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા 35 બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન લગાવી હતી અને રાજ્ય સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ સાર્થક કર્યો હતો. વર્ષ 1920માં ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના હસ્તે સ્થપાયેલી ગોંડલ તાલુકાની ઘોઘાવદર કુમાર શાળાની યશ કલગીમાં આજે નવું એક છોગું ઉમેરાયું છે. ઘોઘાવદરની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા કુલ 35 બાળકોએ સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે. આ માટે શાળાના 11 શિક્ષકો ધન્યવાદને પાત્ર છે કે ગામના જાગૃત નાગરિકોએ તેમના બાળકોના ભવિષ્ય અને શિક્ષણ માટે શાળાના શિક્ષકો પર ભરોસો મુક્યો છે.

ગામની આ સરકારી સ્કૂલમાં ધો.1થી 8 સુધી અભ્યાસ કરાવાય છે

પ્રતિ વર્ષે યોજાતો શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી કાર્યક્રમ કોરોના મહામારીને લીધે આ વર્ષે યોજાઈ શક્યો નથી તેમ છતાં અનલોક-1ના છેલ્લા દિવસે ઘોઘાવદરની કુમાર શાળા ખાતે આજે ઇતિહાસ રચાયો હતો. એકથી માંડીને ધોરણ-8 સુધીના કુલ 35 બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો અને ખુશખુશાલ મુદ્રામાં નવો પ્રવેશ મેળવતા શાળાના બાળકોને ગામના અગ્રણીઓએ શૈક્ષણિક કિટ આપી હરખાતા હૈયે આવકાર્યા હતા. સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓએ હોંશભેર જણાવ્યું હતું કે અમારા બાળકોને અમે દેખાદેખીથી મુક્ત રાખીને સરકારી શાળામાં એટલા માટે પ્રવેશ અપાવ્યો છે કે અહીં અમને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો મારફતે મળતું શિક્ષણ અન્ય ખાનગી શાળા કરતાં ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું જોવા મળ્યું છે. અહીંની શાળાના શિક્ષકો નિયમિત પણે ફોલોઅપ લઈને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. તે જોઈને અમે લોકોએ અમારો નિર્ણય બદલીને બાળકોને સરકારી શાળામાં મુક્યા છે. અને અમે લોકો સ્વૈચ્છાએ એવું વચન આપવા બંધાયા છીએ કે અમે અમારા બાળકોને રોજ ઘરે સ્કૂલમાંથી આપેલું લેશન કરાવીશું અને તેમના અભ્યાસમાં રસ લઈને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ખૂબ મદદ કરીશું.

સરકારી સ્કૂલમાં અભ્યાસ કરી આજે ઘણા લોકો ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે

છેલ્લા ત્રણ મહિનામાં શાળાના શિક્ષકોએ આસપાસના વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને સમજાવટથી વાલીઓને સરકારી શાળામાં તેમના બાળકોને ભણાવવા માટે પહેલ કરી હતી જે રંગ લાવી છે. શિક્ષકોની મહેનત અને વાલીઓના હકારાત્મક અભિગમને લીધે શાળા સંકુલ આજે નવો પ્રવેશ મેળવતા 35 બાળકોના ગુંજરવથી મહેકી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માંડ સાડા ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવતા ઘોઘાવદર ગામમાંથી અત્યાર સુધી 3 વ્યક્તિઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 3 વ્યક્તિઓ PhD, 9 વ્યક્તિઓ ડોક્ટર,10 વ્યક્તિઓ એન્જિનિયર ,1 PSI, 1 સંસદસભ્ય તથા 7 વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે, તે જ સાબિત કરે છે કે ગામલોકો શિક્ષણને કેટલું મહત્વ આપે છે.