રાજકોટ : પરિણીતાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, સાસરીયાએ દીકરીને ટીંગાડી હત્યા કર્યાનો માવતરનો આક્ષેપ

0
2

 રાજકોટના સામાકાંઠે સંત કબીર રોડ પર રાજારામ સોસાયટી-8માં રહેતી સોનલબેન ધર્મેશભાઇ ભલગામીયા (ઉં.વ.28) નામની પરિણીતાએ બુધવારે મોડી સાંજે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. આથી સોનલબેનના માવતર પક્ષે દીકરીને ટીંગાડી દઇ સાસરીયાએ હત્યા કર્યાનો માવતર પક્ષે આક્ષેપ કર્યો હતો. થોરાળા પોલીસે માવતરની ફરિયાદ પરથી સાસરીયા વિરૂદ્ધ પરિણીતાને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.

મૃતક સોનલબેનના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા

આપઘાત કરનાર સોનલબેનના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક પુત્ર જીયાંશુ અને પુત્રી મૌની છે.  તેમના માવતર થાનમાં રહે છે. પિતાનું નામ હસમુખભાઇ ગણેશભાઇ દાનાણી અને માતાનું નામ શારદાબેન છે. સોનલબેન બે ભાઇની એકની એક બહેન હતી. માવતર પક્ષે આક્ષેપ કર્યો હતો કે, અમારી દીકરીને સતત કરિયાવર અને ઘરકામ સહિતની બાબતે ત્રાસ અપાતો હતો. વારંવાર માવતરેથી પૈસા લઇ આવવાનું કહેવાતું હતું. હજુ અઠિયાવડમાં પહેલા જ દીકરી અમારા ઘરે આવી ત્યારે જમાઇએ 10 હજાર મંગાવ્યાની વાત કરી હતી. પરંતુ અમારી પાસે પૈસા ન હોય પછી આપશું તેમ કહ્યું હતું. તું ઘરેથી કંઇ લાવી નથી તેમ કહી પતિ-સાસારીયા સતત હેરાન કરતા હતા.

થોરાળા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધી

થોરાળા પોલીસે આપઘાત કરનારના માતા શારદાબેનની ફરિયાદ પરથી મૃતકના પતિ ધર્મેશ બાબુ ભલગામીયા, સાસુ કંચનબેન, સસરા બાબુભાઇ રવજીભાઇ ભલગામીયા અને દિયર હાર્દિક બાબુભાઇ ભલગામીયા વિરૂદ્ધ IPC 306, 498 (ક), 114 અને દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમો હેઠળ ભાસ આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.