નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. તે પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની આશા છે. જે દર્શાવે છે કે 2018-19માં ધીમી રહેલી અર્થવ્યવસ્થા હવે પાટા પર પરત આવી રહી છે. 2018-19માં વિકાસદર 6.8 ટકા રહ્યો છે. સર્વે પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં એવરેજ ગ્રોથ 7.5 ટકા રહ્યો છે. ગયા નાણાકીય વર્ષ (2018-19)માં નાણાકીય ખાધ જીડીપીના 3.4 ટકા રહેવાનો અંદાજ યથાવત્ રાખવામાં આવ્યો છે.
અર્થવ્યવસ્થાનું લક્ષ્ય મેળવવા માટે દર વર્ષે 8 ટકા ગ્રોથ જરૂરી
મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, કોન્ટ્રાક્ટ લાગુ કરવા અને વિવાદોનો ઉકેલ લાવીને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્ય મેળવવો એક પડકાર છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મેળવવા માટે દર વર્ષે સરેરાશ 8 ટકા ગ્રોથ જરૂરી છે. તેમાં રોકાણકારોની ભૂમિકા ખૂબ મહત્વની છે.
ચૂંટણીની અનિશ્ચિતતાઓની ગ્રોથ પર અસર
સર્વેમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓના કારણે પણ જાન્યુઆરી-માર્ચમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીક ગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને 5.8 ટકા રહ્યો છે. તે પાંચ વર્ષમાં સૌથી ઓછો છે.
આગામી મહિનાઓમાં રોકાણ વધવાની આશા
સર્વેમાં જણાવાવમાં આવ્યું છે કે, આરબીઆઈની ઉદાર મૈદ્રિક નીતિના કારણે વ્યાજદર ઘટવાની આશા છે. તેનાથી આવનારા મહિનાઓમાં રોકાણ અને ક્રેડિટ ગ્રોથ વધશે.