સરકારના આદેશનો અનાદર : ઉત્તર ગુજરાતની કોલેજોએ સરકારને કોલેજોનો ડેટા જ ન આપ્યો

0
25

પાટણ: ઉત્તર ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સ્ટાફ અને છાત્રોની ફરજીયાત ઓનલાઇન હાજરી ભરવા મામલે સરકારે સૂચના આપવા છતાં આચાર્ય મંડળના વિરોધના પગલે આજદિન સુધી એક પણ કોલેજે સરકારમાં પોતાના ડેટા મોકલ્યા નથી કે 1 ઓગસ્ટથી પ્રારંભ કરવાનો આદેશ હોવા છતાં હજુ સુધી કોલેજોમાં હાજરી ભરવાની શરૂઆત કરી છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીને 1 ઓગસ્ટથી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સ્ટાફ સહીત છાત્રોની ઓનલાઇન હાજરી ભરવા અને ઓનલાઇન ડેટા મુકવા માટે સમગ્ર કોલેજની સંખ્યા અને સ્ટાફ સહિતનો ડેટા 26 જુલાઈ સુધી શિક્ષણ વિભાગમાં મોકલી આપવા કોલેજોને જાણ કરવા માટેની સૂચના આપતા યુનિવસિર્ટીએ ઉત્તર ગુજરાતની સંલગ્ન 27 સરકારી અને 67 ગ્રાન્ટેડ કોલેજોને લેખિતમાં પરિપત્ર મોકલી આપ્યો હતો. આચાર્ય મંડળ દ્વારા આ બાબતે વિરોધ ઉઠાવી શિક્ષણ વિભાગને કોલેજોનો ડેટા નહીં મોકલે તેવો નિર્ણય લેવામાં આવતા ઉત્તર ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોએ આજદિન સુધી સરકારમાં પોતાની કોલેજોનો ડેટા મોકલ્યો નથી અને 1 ઓગસ્ટના રોજ કોલેજોમાં ઓનલાઇન હાજરી ભરવાનો પ્રારંભ કરવા આદેશ હોવા છતાં અનાદર કરી હાજરી પૂરવાની શરૂઆત કરવામાં આવી નથી ત્યારે આચાર્ય મંડળ દ્વારા ડેટા જ ન આપતા ઓનલાઇન હાજરી ભરવાનો આદેશનું પાલન થાય તે પૂર્વે જ અટકી પડ્યો છે .
સરકાર સ્પષ્ટતા કરે પછી જ ડેટા મોકલીશું
પાટણ જિલ્લા આચાર્ય મંડળ પ્રમુખ ડૉ લલિત પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન હાજરી મામલે કોઈ સ્પષ્ટતા કે તેની માહિતી આપવામાં આવી નથી અને સિધો નિર્ણય થોપી દીધો છે જેથી અમે સરકાર સામે વિરોધ કરી આ બાબતે સ્પષ્ટતા કરે અને ખાલી સ્ટાફની ભરતી કરે સહીત મંડળની માંગણીઓ મામલે સરકાર ચર્ચા વિચારણા કરી નિર્ણય કરે ત્યારબાદ જ કોલેજો ડેટા મોકલશે અને ઓનલાઇન હાજરી ભરવાની શરૂઆત કરશે તેવો પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here