પાટણઃ પાટણ નગરપાલિકામાં માંડ બગાવતીઓને સુકુન મળ્યું હતું ત્યાં ફરી આંતરિક ઉત્પાત બહાર આવી રહ્યો છે જેમાં પાલિકાના ભાજપાના 16 સભ્યો દ્વારા ઉપપ્રમુખ વસંતભાઇ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવતાં હલચલ મચી જવા પામી છે.જોકે ઉપપ્રમુખે તેઓએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
હવે ભાજપાના સભ્યોજ ઉપપ્રમુખ સામે આવી ગયા છે.શુક્રવારે ટીમ પાટણના ચેરમેન અને શહેર ભાજપાના પૂર્વ પ્રમુખ મનોજ પટેલ સહીત ભાજપાના તમામ 16 સભ્યોના નામ સાથે પાલિકા પ્રમુખને ઉદ્દેશીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ ઉપર વિશ્વાસ ગુમાવી દીધેલ છે તેથી તેમને હોદ્દા પરથી પદભ્રષ્ટ કરવા સભા બોલાવી નિર્ણય કરવા માંગ કરી છે. જોકે એક સભ્ય મહેશભાઇ પટેલ યાત્રા પર હોવાથી તેમની સહી થઇ નથી પણ તેઓની સંમતિ હોવાનું ભાજપાના સૂત્રોએ જણાવ્યું હતું. નગરપાલિકા અધિનીયમ મુજબ દરખાસ્ત આવ્યેથી 15 દિવસમાં પ્રમુખે ખાસ સભા બોલાવવી પડે.પ્રમુખ ન બોલાવે તો પછીના 15 દિવસમાં ઉપપ્રમુખ બોલાવી શકે. તેઓ પણ ન બોલાવે તો કલેકટર 1 માસમાં ખાસ સામાન્યસભા વિશ્વાસમત માટે બોલાવી શકે છે.
ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો એટલે દરખાસ્ત લવાઇ : ઉપપ્રમુખ
દરખાસ્ત અંગે ઉપપ્રમુખ વસંતભાઇ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે મેં આગામી સભામાં મારા સોસાયટી વિસ્તાર અર્બુદા નગરથી ગોપાળનગર સુધી બ્લોક પેવીંગની જે કામગીરી થઇ તેની સામે વાંધો લેતી યાદી આપી હતી. આ ઉપરાંત પાલિકામાં ટેન્ડર પ્રક્રીયામાં તેમને બોલાવાતા ન હતા અને પૂછવામાં પણ આવતું નહોતું. ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું ધ્યાને આવતાં સામાન્યસભામાં તેની પણ યાદી આપી છે. એટલેજ આ દરખાસ્ત લાવવામાં આવી છે.
ટેન્ડરો પ્રમુખ સીઓ અને શાખા ચેરમેનની હાજરીમાં ખોલવાનો બોર્ડમાં ઠરાવ થયેલો છે
આ સબંધે પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે ગત સામાન્યસભામાં ઠરાવ કરાયો હતો જેમાં પ્રમુખ , ચીફ ઓફીસર અને જે તે શાખાના ચેરમેનની હાજરીમાં ટેન્ડરો ખોલવા નક્કી કરાયું હતું અને તેમાં તેઓની સંમતિ પણ હતી.ટેન્ડર ખોલવાના હોય ત્યારે શાખા કર્મચારી ઠરાવ પ્રમાણે ફોન કરતા હોય છે. જ્યારે કામો અંગેની તેમની યાદીઓ વંચાણમાં લેવાની બાકી છે.