પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આંગણે યોજાયેલા ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહના ઉદઘાટન સમારોહમાં ઉદઘોષકે ચંપલ પહેરીને મંત્રોચ્ચાર કરતાં વિવાદ થયો હતો. વારાણસીથી પધારેલા વિદ્વાન પ્રો. પ્રભુનાથ દ્રિવેદીએ એવી ટકોર પણ કરી કે સંસ્કૃત ભાષામાં મંત્રોચ્ચાર અને અભિવાદન ચંપલ પહેરીને કદાપી કરી ન શકાય.
સંસ્કૃત વિભાગ અને શ્રીમદ પાટણ જૈન જ્ઞાનમંદિરના સંયુક્ત ઉપક્રમે કન્વેન્શન હોલમાં અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહ યોજાયો છે. જેમાં પ્રથમ દિવસે કુલપતિ ડો. અનિલ નાયકની નિશ્રામાં અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં ઉદઘોષકે ચંપલ પહેરીને મંત્રોચ્ચાર કર્યા હતા, જે જે અંગે રાષ્ટ્પતિ પુરસ્કૃત પ્રો. પ્રભુનાથ દ્રિવેદી (વારાણસી) એ ટીકા કરતાં જણાવ્યું કે, સંસ્કૃત ભાષામાં મંત્રોચ્ચાર અને અભિવાદન ચંપલ પહેરીને કરી શકાય નહીં તેમજ યુનિવર્સિટીનું ગીત રેકોર્ડિંગ કરીને નહીં પણ સ્વયં ગાન કરવું જોઈએ. પાટણને કાશી સાથે પૌરાણિક સંબંધ છે કારણ કે સિદ્ધરાજ રાજાએ કાશીથી પંડિતો લાવી પાટણમાં વસાવ્યા હતા અને પ્રાચીન ગ્રંથોના ઉદભવ માટે પાયો નાખ્યો હતો.
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, હેમચંદ્રાચાર્યના નામથી ચાલી રહેલી યુનિવર્સિટીમાં સંસ્કૃતના વિદ્વાનો તૈયાર થાય તે માટે જરૂરિયાત ઉભી થઇ છે. રાષ્ટ્પતિ પુરસ્કૃત પ્રો. વસંત ભટ્ટે જણાવ્યું કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જ્ઞાન ભંડારનો ખજાનો છે, જેનો વિદ્યાર્થીઓએ લાભ લઇ ઉચ્ચ ભવિષ્ય માટેની ઉડાન ભરવાની છે. આ પ્રસંગે સંસ્કૃતના અભ્યાસક્રમોમાં પ્રથમ સ્થાન મેળવનાર છાત્રોને ફેલોશીપ આપી સન્માનિત કરાયા હતા. ગત વર્ષની વ્યાખ્યાનમાળામાં શોધપત્રોના હૈમપ્રપા અંકનું વિમોચન કરાયું હતું. ત્રણ દિવસમાં હેમચંદ્રાચાર્યના 25 ગ્રંથો ઉપરાંત સંસ્કૃત સાહિત્ય ઉપર વિચારો રજૂ કરશે.
હેમચંદ્રાચાર્યનું આ મહત્વનું પ્રદાન
ગુજરાતના કાવ્ય ઋષિઓમાં હેમચંદ્રાચાર્યનું નામ તુરંત જ હોઠો પર આવે. રાજવંશોને તેમણે ભાષા પ્રેમ તરફ વાળ્યાં અને સામાન્ય જનને પણ પ્રેરિત કરતાં એ તેમનું મોટું પ્રદાન હતું. – પ્રો વિષ્ણુ પંડ્યા, અધ્યક્ષ, સાહિત્ય અકાદમી