Saturday, September 18, 2021
Homeગુજરાતપાટણ : મહારાષ્ટ્રીયન પરિવારના ઘરે શ્રી ગણેશજીની બહેનો જયેષ્ઠા અને કનિષ્ઠાનું આજે...

પાટણ : મહારાષ્ટ્રીયન પરિવારના ઘરે શ્રી ગણેશજીની બહેનો જયેષ્ઠા અને કનિષ્ઠાનું આજે વિસર્જન કરાશે

ગણેશ ચતુર્થી(ભાદરવા સુદ-ચોથ)ના દિવસે ગણપતિદાદા જે તે વ્યક્તિના ઘરે પધારે પછી તેમની બે બહેનો જયેષ્ઠા અને કનિષ્ઠા પિયરમાં આવે છે. ઘણા મહારાષ્ટ્રીન પરિવારોમાં વર્ષોથી નહીં, સેંકડો પેઢીઓથી ગૌરાઈ(ગણપતિની બહેનો)ને ઘરમાં બેસાડવાની પરંપરા છે. ત્યારે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્રીયન જ્યોતિબહેન અને સુનિલભાઈ પાગેદારના નિવાસસ્થાને આ વર્ષે પણ ગૌરાઈ બહેનો પધાર્યા છે. જેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. બે દિવસ પૂજન અર્ચન કરી આજે વિસર્જન કરવામાં આવશે.

જ્યોતિબહેન અને સુનિલભાઈ પાગેદારએ જણાવ્યું હતું કે, જયેષ્ઠા અને કનિષ્ઠા ગણપતિની બહેનો છે. (રિદ્ધિ-સિદ્ધિ ગણપતિની ધર્મપત્નીઓ છે) જયેષ્ઠા એટલે મોટી બહેન અને કનિષ્ઠા એટલે નાની બહેન. જયેષ્ઠાનું અન્ય નામ અશોક સુંદરી પણ છે.

ભાઈ (એટલે કે ગણપતિ) ચોથના દિવસે પધારે, પછી આ બન્ને બહેનો, ભાઈને એક-બે દિવસનો આરામ કરવા દઈને છઠ્ઠના દિવસે આવે. તેઓ ભાદરવા સુદ છઠ્ઠ-સાતમ અને આઠમ એમ અઢી દિવસ જ રોકાય. આમેય પિયરમાં બહુના રોકાવાય એવું કહેવાય છે. ડાહી બહેનો ઊભા પગે આવે, થોડામાં સંતોષ મેળવે છે. ગણપતિદાદાની સ્થાપના દબદબાથી કરાય તેમ તેમની આ બહેનોને પણ ભવ્ય રીતે ઘરમાં પ્રવેશ અપાય છે. જેમના ઘરમાં તેમનું સ્થાપન કરાતું હોય ત્યાં તેમની પ્રતિમાનો ધડનો ભાગ લાકડાનો કે અન્ય પદાર્થનો સાચવેલો હોય. ગણપતિની પ્રતિમાની જેમ બહારથી તે ના લવાય કે વર્ષો વર્ષ નવી પ્રતિમા ના બને. ખરેખર તો તેની પ્રતિમા હોતી જ નથી. તેમનો ચહેરો મુકુટ મુખ્ય ગણાય. જે હોય, તેની નીચે કશોક આધાર રાખીને, તેને સાડી પહેરાવીને તેનું સ્થાપન કરાવાય છે.

બન્ને બહેનોને ઘરના પ્રવેશ દ્વારમાંથી વિધિસર રીતે પ્રવેશ કરાવાય છે. ઘરની દીકરી પિયરમાં આવે એટલે તેને ઘણાં માન-પાન મળે. બન્ને બહેનોને થાળીમાં સુંદર અને આકર્ષક રીતે શણગારવામાં આવે. ઘરના ઉંબરે હળદર-કંકુથી મનમોહક રંગોળી પૂરાય. બન્ને બહેનો પાસે ઘરની દિવાલ પર કંકુના થાપા પણ કરાવાય. તેમનું પૂજન થાય, આરતી ઉતરે. એ પછી એક બહેન ઘરના કોઠાર (આજનો સ્ટોર રૂમ)માં જાય અને બીજી બહેન રસોડા ભણી જાય. બન્ને બહેનો અહીં ફરીને આર્શીવાદ આપે છે.તેની પાછળની ભાવના એવી કે બહેનો એવું ઝંખે છે કે ઘરના ભંડાર સતત ભરેલા રહે અને આરોગ્ય સાચવતી રસોઈ તમામને અહર્નિશ મળ્યા કરે.

ગૌરાઈ બહેનોને સુંદર સાડી પહેરાવાય. વડોદરા અને પૂણેમાં તેમને આવી રહે તેવી નાના કદની સાડીઓ મળે છે. અઢી-ત્રણ વારની આ સાડીઓનો પનો પણ ઘણો ટૂંકો હોય એટલે તેમને સરસ રીતે આવી રહે. બન્ને બહેનોનું ઘરમાં વિધિસર સ્થાપન થાય. શણગાર થાય.

ગણપતિદાદાની બહેનો ઘરે આવે એટલે તેમનો આતિથ્ય સત્કાર કરવામાં કશું બાકી ના રહે હોં! ભાદરવા સુદ સાતમના દિવસે તેમને ભાવતાં ભોજન જમાડાય. એમાંય વળી ઘણી પરંપરા છે. અનેક પ્રકારની વાનગીઓ બહેનોને ખવડાવાય. કેટલીક વાનગીઓ તો ફરજિયાત બનાવાય જ. આ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે. જ્યોતિબહેન અને સુનિલભાઈ પાગેદાર કહે છે કે આ પરંપરા અનેક પેઢીઓથી ચાલતી આવી છે.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તો 5-7 ફૂટ ઊંચી ગાૈરાઈ બહેનોનું સ્થાપન થતું હોય છે.  જે પરિવારોમાં ગણપતિની બહેનોને બોલાવવાનો રિવાજ હોય છે તે રિવાજ પેઢી-દર-પેઢી જળવાતો હોય છે.

ગણપતિની સ્થાપના પછી જ્યારે બહેનો અઢી દિવસ પિયરમાં આવે ત્યારે જે તે ઘરની સાસરે ગયેલી બહેનો પણ પિયર આવે. તેઓ પણ થોડા દિવસ માતા-પિતા ઉપરાંત ગણપતિ અને તેમની બહેનો સાથે રહે છે. ઘરમાં ધર્મમય અને આનંદમય વાતાવરણ ઊભું થાય. ભાભીઓને પણ પિયર આવેલી નણંદોનો આતિથ્ય સત્કાર કરવાની તક મળે. આપણા તહેવારો પાછળ સમાજને સંગઠિત રાખવાની ભાવના પણ પડેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments