પાટણ : ગામના સરપંચે યુવા સભ્યોની ટીમ બનાવી, કોરોના જાગૃતિ બાદ હવે ગામમાં એક પણ કેસ નથી

0
2

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં મહદઅંશે ઠાકોર સમાજની વસતી છે, ગામોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને ગરીબી પારાવાર છે. સામાન્ય ખેતી અને ખેતમજૂરી પર લોકોનું ગુજરાન ચાલે છે. અહીંના કાંસા ગામના યુવાન સરપંચ તુલસી ઠાકોરે જબરદસ્ત ક્રાંતિકારી કામ કર્યું. કોરોનાનું સંક્રમણ વધતાં ગામમાં ટપોટપ મૃત્યુ થયાં અને ગામની વસતીના પાંચ ટકા લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો. આ સ્થિતિને પારખી તુલસી ઠાકોરે પોતાના ગામના યુવાન લોકોની ટીમ બનાવી અને સોશિયલ મીડિયા ગ્રૂપ બનાવ્યું.

આ ટીમમાં ગામની દરેક જ્ઞાતિના અને એકે-એક મહોલ્લામાં વસતાં યુવાનને તેની જવાબદારી સોંપાઇ. સોશિયલ મીડિયા પર સંક્રમણના કેસો અને અન્ય માહિતી અપડેટ થતી. તુલસીએ આરોગ્ય સ્ટાફની મદદ લઇ ગામમાં કોરોનાના દર્દીઓને દવાઓ, તમામ લોકોને ઉકાળા અને જરૂરીયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની સિસ્ટમ બનાવી અને યુવાન ટીમના સભ્યોએ તે કામ સુપેરે પાર પાડ્યું. એટલું જ નહીં, જેના ઘરમાં દર્દીને આઇસોલેટ થવાની જગ્યા ન હોય તેમને આ ટીમના જે સભ્યોનું ઘર મોટું હોય તેમણે પોતાના ઘરમાં જ સુવિધા કરી આપી.

આટલું જ નહીં, તેમણે ગામની દિવાલો પર કોરોના સંક્રમણ રોકવા સૂત્રો લખ્યાં અને ગામમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત લોકડાઉનની રાહ અપનાવી. આજે ગામમાં કોઇપણ વ્યક્તિ માસ્ક વગર જોવા મળતી નથી, કામ વગર કોઇ બહાર નિકળતું નથી, અને તેથી એક સમયે 200થી વધુ કોરોના પોઝિટીવ કેસ અને 40 મૃત્યુના કેસ ધરાવતું આ ગામ કોરોના મુક્ત બન્યું છે.

રસીકરણ માટે લોકોને સમજાવ્યાં, હવે ગામની 60% વસતીને રસી
પછાત વર્ગના લોકોમાં રસીને લઇને પ્રતિકાર હતો કારણ કે એવી ગેરમાન્યતા હતી કે રસી લેવાથી મૃત્યુ થાય છે. તુલસી ઠાકોરે ગામમાં પોલીસ અને તંત્રના અધિકારીઓને બોલાવ્યાં, જેમણે રસી લીધી હતી. તેમણે ગ્રામજનોને સમજાવ્યાં કે જેમણે રસી લીધી, તેમને કોરોના નથી થયો. બાદમાં 60 ટકા ગ્રામજનોએ ઉત્સાહથી પહેલો અને 25 ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા.

માસ્ક પહેરવા અંગે લોકોને મહિલાઓના ઉદાહરણ અપાયાં
અહીંની મહિલાઓ વડીલો સામે ઘુંઘટ રાખે છે. તેમનું ઉદાહરણ આપીને પુરુષોને સમજાવાયું કે, મહિલાઓ આખું જીવન લાજ કાઢે છે, કેવી તકલીફ પડે. તમારે ફક્ત નાક-મોં જ ઢાંકવાના છે. હવે અહીં બધા પુરુષ અવશ્ય માસ્ક પહેરે છે.

ઘરનું અનાજ વેચીને યુવાન દીકરા-દીકરીઓની સારવાર
પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર થાય છે. આ હોસ્પિટલ ફૂલ થઈ જતા લોકોએ ખાનગી હોસ્પિટલમાં જવું પડતું, પરંતુ પૈસા ન હોવાથી ગરીબોએ ઘરના મણ ઘઉં વેચીને ખર્ચ કાઢવો પડ્યો.

પોલીસનો દાઝ્યા પર ડામ, નેતાઓના માસ્ક વિનાના ફોટા
અહીં પોલીસ પર લોકો ગુસ્સે છે. ઘરનું અનાજ વેચવું પડે તે સ્થિતિમાં ખેતમજૂરો પાસેથી પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ રૂ. 1000ના દંડ વસૂલ્યા, જ્યારે અખબારોમાં નેતાઓના માસ્ક વિનાના ફોટા છપાતા લોકો ગુસ્સે થતા.

મૃત્યુના સમાચાર માટે ઢોલ વગાડવાનું બંધ
ગામમાં કોઇનું મૃત્યુ થયું હોય તો દરેકને ખબર પડે માટે અહીં ઢોલ વગાડાતો. પરંતુ અહીં રોજના પાંચેક મૃત્યુ થતાં લોકોને આઘાત ના લાગે તેથી આ પરંપરા અટકાવી દેવાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here