વડોદરા : ગોત્રી કોવિડ સેન્ટરમાં દર્દીનું મૃત્યુ, કોરોનાથી નહીં પણ હોસ્પિટલની નિષ્કાળજીને કારણે મૃત્યુ થયું હોવાનો પરિવારનો આક્ષેપ

0
0

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, પરિવાર દ્વારા દર્દીનું કોરોનાના કારણે નહીં, પરંતુ, યોગ્ય સારવારના અભાવે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકી હોબાળો મચાવ્યો હતો અને અંતિમ વિધિ માટે મૃતકના મૃતદેહની માંગણી કરી હતી. આ બનાવ અંગે CN24NEWS એ ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, સંપર્ક થઇ શક્યો ન હતો.

મૃતદેહની માંગ સાથે હોસ્પિટલમાં જ બેસી રહેવાની પરિવારની ચીમકી

વડોદરા શહેરના ફતેપુરા કાલુપુરા સ્થિત બ્રાહ્મણ ફળિયામાં રહેતા ગોકુલભાઇ દત્તાત્રય પાટીલનું ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારજનોએ ગોકુલભાઇનું મોત કોરોનાથી નહીં પરંતુ, હોસ્પિટલની નિષ્કાળજીના કારણે થયું હોવાનો આક્ષેપ મૂકીને હોબાળો મચાવ્યો હતો. અને ગોકુલભાઇની મૃતદેહ અંતિમ વિધિ માટે ઘરે લઇ જવા માટે માંગણી કરીને હોસ્પિટલમાં જ બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, ગોકુલભાઇનું કોરોનાથી મોત નીપજ્યું હોવાથી હોસ્પિટલ દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ અંતિમ વિધી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાથી દર્દીનું મોત થયા બાદ પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો
(કોરોનાથી દર્દીનું મોત થયા બાદ પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો)

 

પુત્રએ કહે છે કે, મારા પિતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો

મૃતક ગોકુલભાઇ દત્તાત્રય પાટીલના પુત્રએ જણાવ્યું હતું કે, પિતાને શ્વાસની બિમારી હતી. જેથી અમે તેઓને કાલુપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેઓની તબિયત બગડતા અને હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ન હોવાથી પિતાને રવિવારે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને કોરોના નેગેટિવ દર્દીઓના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા પણ જણાવાયું હતું કે, ગોકુલભાઇનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અને તેઓને જે લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતદેહની માંગ સાથે પરિવારે હોબાળો મચાવ્યો હતો
(મૃતદેહની માંગ સાથે પરિવારે હોબાળો મચાવ્યો હતો)

 

અમને હોસ્પિટલમાં બોલાવીને કહ્યું કે, મારા પિતાનું કોરોનાથી મોત થયું છે

પિતાનો રિપોર્ટ નેગેટિવ આવતા મારી મમ્મી રોજ હોસ્પિટલમાં પિતાને મળવા જતી હતી. દરમિયાન સાંજે હોસ્પિટલમાંથી અમને ફોન કરીને પરિવાર સાથે બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાર પછી એક કલાક પછી જણાવવામાં આવ્યું કે, ગોકુલભાઇનું કોરોનાથી મોત નીપજ્યું છે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ મૃતદેહ મળશે નહીં.

ગોત્રી હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટર
(ગોત્રી હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટર)

 

મારા પિતાનું મોત કોરોનાથી નહીં, પરંતુ, હોસ્પિટલની નિષ્કાળજીથી થયું છે

હોસ્પિટલમાંથી મૃતદેહ આપવાનો ઇન્કાર કરાતા પુત્રએ જણાવ્યું હતું કે, અમને મૃતદેહ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે હોસ્પિટલમાંથી જવાના નથી. મારા પિતાનું મોત કોરોનાથી નહીં, પરંતુ, હોસ્પિટલની નિષ્કાળજીના કારણે થયું છે. જો મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો તેઓને નેગેટિવ દર્દીઓના વોર્ડમાં કેમ દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મી તેમની સાથે જ રહેતી હતી. મારી મમ્મીને જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હશે તો તેના માટે કોણ જવાબદાર.. મારા પિતાના મોત માટે જવાબદાર હોસ્પિટલના ફરજ ઉપરના તબીબો સામે કાર્યવાહી કરવા માંગણી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here