૫૨ ગામોનો તાલુકો એ વલ્લભીપુર છે અને વલ્લભીપુર શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ત્રણ કાયમી તબીબની જગ્યા મંજૂર કરાયેલ હોવા છતાં અલગ અલગ ડેપ્યુટેશન પર ડોક્ટરો મુકી ગાડુ ગબડાવાતું હોય તેમજ કાયમી ફાર્માસીસ્ટનો પણ અભાવ રહેતા દર્દીઓ લાચારી બોગવી રહ્યા છે જેથી આરોગ્યની સુખાકારી સુવિધા માટે લાંબા સમયથી અટકેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા લોકમાંગ ઉઠવા પામી છે.
વલ્લભીપુર શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ જે તાલુકાના મોટાભાગના ગામડાઓના દર્દીઓ સારવાર માટે આવતા જતા હોય છે અને આ હોસ્પિટલમાં આખો દિવસ અનેક દર્દીઓ પોતાનું દર્દ લઇને આવતા હોય છે અને હાઇવે રોડ ઉપરનું વલ્લભીપુર શહેર હોવાથી નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હોય જેને લઇ તાત્કાલિક સારવાર અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ હાલ સરકારી હોસ્પિટલ ખાતે ત્રણ કાયમી ડોક્ટરોની જગ્યા મંજૂર કરાઇ છે. પરંતુ ઘણા સમયથી આ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરો એકપણ નથી જે હાલ અલગ અલગ ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવતા ડોક્ટરો દ્વારા ગાડુ ચાલી રહ્યું છે અને કાયમી ડોક્ટરોને મુકવામાં આવતા નથી ત્યારે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કરવું જરૂરી બન્યું હોય તેમજ વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે ફાર્માસિસ્ટની જગ્યા પણ ખાલી હોય જેને લઇને દર્દીઓને દવાઓ સ્ટાફ નર્સ આપી રહ્યા છે જેથી આ બંને નિમણૂક જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદે કરવી જરૂરી બની છે. વલ્લભીપુરના રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકી રહ્યા હોય અને લોકોની સુવિધા અને આરોગ્યને પણ ધ્યાન બહાર કરી રહ્યા છે જે ટીકાસ્પદ બનેલ છે.