ઈન્કમ ટેક્સ ભરવાથી સરળતાથી લોન મળી જાય છે, જાણો ITR ફાઈલ કરવાનાં ફાયદા

0
14

કોરોના મહામારીને કારણે સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખને લંબાવી દીધી છે. તેને કારણે હવે 2018-19 અને 2019-20 માટે ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકાશે. જો તમે ટેક્સ હેઠળ આવો છો તો તમારે ITR ભરવો પડશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું એક નાગરિક તરીકે તમારી જવાબદારી છે. તે ઉપરાંત ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાથી તમને સરળતાથી બેંક લોન અને બિઝનેસની તકો સહિત ઘણા ફાયદા મળે છે. ઘણા લોકોને ITR ભરવાના ફાયદા વિશે ખબર નથી હોતી, તો જાણો ITR ભરવાના ફાયદા…

ઈન્કમનો પુરાવો રહે છે
ઈન્કમ ટેક્સ રિટર્ન જ્યારે પણ કોઈ વ્યક્તિ ફાઈલ કરે છે તો તેને એક પ્રમાણ પત્ર મળે છે. જ્યારે પણ ITR ફાઈલ કરો છો ત્યારે તેની સાથે ફોર્મ 16 ભરવામાં આવે છે, ફોર્મ 16 ત્યાંથી મળે છે જ્યાં વ્યક્તિ નોકરી કરતો હોય છે. એવી જ રીતે એક સરકારી પ્રમાણપત્ર થઈ જાય છે જેનાથી એ સાબિત થાય છે કે વ્યક્તિની વાર્ષિક નિશ્ચિત આવક આટલી છે. આવકના રજિસ્ટર્ડ પુરાવા રાખવાથી ક્રેડિટ કાર્ડ, લોન અથવા પોતાની ક્રેડિટ સાબિત કરવામાં મદદ મળે છે.​​​​​​​

બેંક લોન સરળતાથી મળી જાય છે
ITR તમારી ઈન્કમનો પુરાવો હોય છે. તેને તમામ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓ આવકના પુરાવા તરીકે સ્વીકારે છે. જો તમે બેંક લોન માટે અરજી કરો છો, તો બેંક ઘણી વખત ITR માગે છે. જો તમે નિયમિત ITR ફાઈલ કરો છો તો તમને બેંકમાંથી સરળતાથી લોન મળી જાય છે. તે ઉપરાંત તમે કોઈપણ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનમાંથી લોન સિવાય બીજી સેવાઓ પણ સરળતાથી મેળવી શકો છો.

વિઝા માટે જરૂરી
જો તમે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા છો તો જ્યારે તમે વિઝા માટે અરજી કરો છો તો તમારી પાસે ઈન્કમ ટેક્સ રિટર્ન માગવામાં આવી શકે છે. ઘણા દેશોની વિઝા ઓથોરિટી વિઝા માટે 3થી 5 વર્ષ સુધીના ITR માગે છે. ITR દ્વારા તેઓ ચેક કરે છે કે જે વ્યક્તિ તેમના દેશમાં આવવા માગે છે તેનું ફાઈનાન્સિયલ સ્ટેટસ શું છે.

એડ્રેસ પ્રૂફ તરીકે પણ કામ આવે છે
ITR રસીદ તમારા રજિસ્ટર્ડ સરનામાં પર મોકલવામાં આવે છે,જે સરનામાંના પુરાવા તરીકે કામ કરી શકે છે.તે ઉપરાંત તમારા માટે ઈન્કમ પ્રૂફનું પણ કામ કરે છે.

પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી છે ITR
જો તમે જાતે બિઝનેસ શરૂ કરવા માગો છો તો ITR ફાઈલ કરવું જરૂરી છે. તે ઉપરાંત તમે તમારા કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે કોન્ટ્રાક્ટ જોઈતો હોય તો તમારે ITR બતાવવું પડશે. કોઈ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ લેવા માટે છેલ્લા 5 વર્ષનો ITR આપવો પડે છે.​​​​​​​

વધારે પૈસાની લેવડદેવડ માટે જરૂરી
જો તમે વધારે પૈસાની લેવડદેવડ કરો છો તો ITR તમારા માટે મદદરૂપ સાબિત થાય છે. ITR સમયસર ફાઇલ કરવાને કારણે, તમે મિલકત ખરીદવા અથવા વેચાણ કર્યા બાદ બેંકમાં મોટી રકમ જમા કરાવીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવવાનું જોખમ રહેતું નથી.

વધારે વીમા કવર માટે વીમા કંપનીઓ માગે છે ITR
જો તમે 1 કરોડ રૂપિયાનું વીમા કવર (ટર્મ પ્લાન) લેવા માગો છો, તો વીમા કંપનીઓ તમારી પાસેથી ITR માગી શકે છે. હકીકતમાં, તેઓ ફક્ત તમારી આવકના સ્ત્રોતને જાણવા અને તેની નિયમિતતાને તપાસવા માટે ITR પર વિશ્વાસ કરે છે.

દંડ ભરવાથી બચવું જરૂરી
જો તમે ટેક્સ બ્રેકેટમાં આવો છો અને તમે સમયસર ITR ફાઈલ નથી કરતા તો 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. જે આવનારા વર્ષ માટે સારું રહેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here