રાજકોટ : માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની બમ્પર આવક, મગફળીના 900થી 1050 અને કપાસના 1155 ભાવ બોલાયા.

0
6

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમનાં મૂહુર્તનાં સોદાની વર્ષો જૂની પરંપરા છે. ત્યારે આજે લાભપાંચમનાં દિવસે માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની બમ્પર આવક થઈ છે. મગફળીના 900થી 1050 ભાવ બોલાયા હતા. જ્યારે કપાસના ભાવ 1155 રૂપિયા બોલાયા હતા.

યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી અને 2500 મણ કપાસની આવક

રાજકોટ માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. જેથી હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. પ્રથમ સોદામાં મગફળીના ભાવ 900થી 1050 રૂપિયા સુધી બોલાયા છે. ઓપન માર્કેટમાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ઓપન માર્કેટમાં પણ વેચાણ કરવા માટે આવી રહ્યાં છે. માર્કેટ યાર્ડમાં 2500 મણ કપાસની પણ આવક થઈ છે. CCI દ્વારા આજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. યાર્ડમાં ખેડૂતોએ નોંધણી કરાવ્યા બાદ જિનિંગ મિલમાં ખરીદી કરવામાં આવશે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઓછી નોંધાઈ

ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીની રજા પહેલા માર્કેટ યાર્ડ વારંવાર મગફળીથી ઉભરાઈ જવાની સાથે એક જ દિવસમાં મગફળીની આવકો 2 લાખ ગુણી જોવા મળતી હતી. પરંતું લાભ પાંચમના દિવસથી વેપારીઓએ શુકન સાચવીને શરૂ કરેલા વેપારની સાથે ગઈકાલના રોજ યાર્ડ સત્તાધીશોએ મગફળીની આવકનો પ્રારંભ કરતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માત્ર 70થી 80 હજાર ગુણી મગફળીની આવક જોવા મળતા માર્કેટ યાર્ડ સતાધીશોનો ન છૂટકે મગફળીની આવકો શરૂ રાખવાની ફરજ પડી હતી. આ સાથે જ લાભ પાંચમના દિવસે જ મગફળીની આવકોમાં મોટું ગાબડું પડ્યાની સાથે જ યાર્ડમાં સવા લાખ ગુણી કરતા મગફળીની આવકો ઓછી જોવા મળી હતી. તો બીજી તરફ યાર્ડમાં મગફળીની હરાજીમાં 20 કિલો જીણી મગફળીના ભાવ રૂપિયા 725/-થી 1056/- અને જાડી મગફળી 750/-થી લઈને 1100/- સુધીના બોલાયા હતા.

ચાલુ વર્ષે કપાસની ખરીદી 1155ના ભાવ લેખે કરવામાં આવશે

ભારતીય કિસાન સંઘની કપાસની ખરીદીની માંગણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા થતી CCIની કપાસની ખરીદીની શરૂઆત આજથી કરવામં આવી છે. ભારતીય કિસાન સંઘની ટીમ સૌરાષ્ટ્રના CCI ખરીદીના હેડ ઓફિસની રાજકોટ ખાતે મુલાકાત લીધી હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે ચાલુ વર્ષે કપાસની ખરીદી 1155ના ભાવ લેખે કરવામાં આવશે. કપાસમાં એડવાન્સમાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાનું નથી. જે પણ ખેડૂતોને CCIમાં કપાસ આપવાનો હોય તે ખેડૂત પોતાનો માલ લઈ પોતાના નજીકના APMCમાં દવાનું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ CCIની ખરીદી દરેક APMCમાં કરવામાં આવશે. APMCમાંથી પાસ કર્યા પછી જ નક્કી કરેલા જીનની અંદર ગાડી મોકલવામાં આવશે.

ખરીદીના રૂપિયા મોડામાં મોડા 10 દિવસ સુધીમાં ખેડૂતના ખાતામાં આવી જશે

આ વર્ષે ભેજ ની ટકાવારી 8 નક્કી કરેલ છે. 8 ટકાથી વધારે ભેજનું પ્રમાણ હશે તો દરેક 1 ટકાએ 11 રૂપિયા અને 55 પૈસા ઓછા આપવામાં આવશે. પરંતુ 12ટકા થી વધારે ભેજ હશે. તો ખરીદી કરવામાં નહીં આવે અને જો 8% પણ ઓછો ભેજ હશે તો 11 રૂપિયા અને 55 પૈસા વધારે ચૂકવવામાં આવશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદીના રૂપિયા મોડામાં મોડા 10 દિવસ સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી જશે. રાજકોટ જિલ્લાના દરેક APMCમાં ખરીદી કરવામાં આવશે.દરેક ખેડૂતોએ ડોક્યુમેન્ટની અંદર 7 /12 અને 8અ બેંકની પાસબુકની નકલ અને આધારકાર્ડ ફરજિયાત લાવવાના રહેશે .