સિહોર શહેરમાં ઉનાળાના આરંભ સાથે જ પીવાના પાણીની પળોજણથી લોકો ત્રસ્ત થવા લાગ્યા છે. નબળી નેતાગીરી અને અધિકારીઓના આંખ મિચામણાંના કારણે સિહોરવાસીઓ વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
સિહોરને પીવાનું પાણી પુરૂં પાડવા માટે મહી પરીએજમાંથી દરરોજ ૧૦ એમ.એલ.ડી. પાણી મળે છે. ગૌતમેશ્વર તળાવમાં પણ ચોમાસાનું પાણી ભરેલું છે. તેમ છતાં સિહોરની જનતાને ૮થી ૧૦ દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના દિવસો શરૂ થયા છે, ત્યાં જ પાણીને લઈ આવી પરસ્થિતિ છે. તો આગામી દિવસોમાં જનતાની શું દશા થશે ? તે કલ્પના કરવી મુશ્કેલ છે. પાણી બાબતે એકને બીજા દિવસે અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો ફરિયાદ કરવા નગરપાલિકાએ આવતા હોવા છતાં વોટર વર્કસના સુપરવાઈઝર કે ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી. ત્યારે ગત માસે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જનતાએ ભાજપ ઉપર વિજય કળશ ઢોળ્યો હોય, હવે સત્તારૂઢ ભાજપી શાસકોએ પ્રાથમિક જરૂરિયાતના પાણી પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પગલા ભરવા જોઈએ તેવી સિહોરવાસીઓમાં માંગ ઉછી છે.
ઉલ્લેખનિય છે કે, સિહોરની ૮૦ હજારની જનતાને શુદ્ધ અને ચોખુ પાણી મળી રહે તે માટે ૧૨ વર્ષ પહેલા નગરપાલિકાએ ૧૨માં નાણાંપંચ અંતર્ગત ૧૪ એમ.એલ.ડી.ની ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો હતો. આ ફિલ્ટર પ્લાનના નિર્માણનો કોન્ટ્રાક્ટ રાજકોટની એજન્સીને અપાયા બાદ ૧૪૯.૮૩ લાખના ખર્ચે કામ તો પૂરૂ થયું પણ તત્કાલિન ધારાસભ્યએ લોકાર્પણ કર્યાના બે જ દિવસમાં ફિલ્ટર પ્લાનમાં થયેલી નબળી કામગીરીના પાપે પાણી ઓછું થવા લાગ્યું હતું. જેથી ગત તા.૨૩-૪-૨૦૧૨ના રોજ એજન્સીને ફિલ્ટર પ્લાન રિપેરીંગ કરવા આખરી નોટિસ અપાઈ હતી. તેમ છતાં ૧૩-૧૩ વર્ષ થયે પણ લોકોને શુદ્ધ અને ફિલ્ટરયુક્ત પાણી મળતું નથી. વોટર વર્કસ વિભાગના અધિકારી-સ્ટાફની અણઆવડતાના પાપે જનતા પાણી માટે વલખા મારી રહી હોય, ફિલ્ટર પ્લાન્ટને શરૂ કરી દૈનિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવે તેવી લોકોની લાગણી છે.