લોકો તેમને જાણતા પણ નહોતા, મહામારીના કારણે બિઝનેસ વધ્યો તો બની ગયા અબજોપતિ

0
7

કોરોના મહામારીના કારણે દુનિયામાં ભલે 18 લાખથી વધુ લોકોનાં મોત થયા અને 2020માં ગ્લોબલ ગ્રોથ રેટ 5% તૂટવાની આશંકા હોય, આ મહામારીના કારણે કેટલાક લોકો અબજોપતિ પણ બની ગયા છે. તેમાં કેટલાક તો એવા પણ છે કે જેમના વિશે વર્ષ અગાઉ તો કોઈ જાણતું પણ નહોતું. ફોર્બ્સના અનુસાર હેલ્થકેર સેક્ટર સાથે સંકળાયેલા 11 દેશઓનાં 50 લોકો 2020માં બિલિયોનેર બન્યા છે. તેમાં લગભગ 30થી વધુ ચીનના છે.

સાઈરસ પૂનાવાલાઃ સૌથી ઝડપથી નેટવર્થ વધવામાં પાંચમા ક્રમે

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. તેના ચેરમેન સાઈરસ પૂનાવાલાની નેટવર્થ 11.5 અબજ ડોલર છે, જે વર્ષભરમાં લગભગ બમણી થઈ ગઈ. હુરુન રિસર્ચના અનુસાર ગત વર્ષે સૌથી ઝડપથી નેટવર્થ વધવાના મામલે તેઓ દુનિયામાં પાંચમા ક્રમે હતા અને દુનિયાના 86મા સૌથી અમીર માણસ બની ગયા હતા.

ઉગુર સાહિનઃ વર્ષભરમાં શેર 160% વધ્યા, નેટવર્થ 4,2 અબજ ડોલર થઈ

બાયોએન્ટેકના સીઈઓ ઉગુર સાહિન વિશે વર્ષભર અગાઉ થોડા લોકોને જ ખ્યાલ હતો. બાયોએન્ટેકે ફાઈઝર સાથે મળીને વેક્સિન બનાવી છે જેને અમેરિકન રેગ્યુલેટર એફડીએ દ્વારા 95% અસરકારક મનાઈ છે. સાહિનની પાસે કંપનીના 17% શેર છે અને ગત વર્ષે શેરના ભાવ 160% વધી ગયા. તેનાથી તેમની નેટવર્થ 4.2 અબજ ડોલર થઈ ગઈ છે.

સ્ટીફન બેન્સેલઃ એક વર્ષમાં શેરના ભાવ 550% વધવાનો મળ્યો ફાયદો

મોડર્નાના સીઈઓ ફ્રેન્ચ મૂળના સ્ટીફન બેન્સેલની નેટવર્થ 4.1 અબજ ડોલર થઈ ગઈ છે. તેમની પાસે કંપનીનાં 6% શેર છે અને શેરના ભાવ ગત વર્ષે 550% વધ્યા છે. અમેરિકન રેગ્યુલેટરે ફાઈઝર પછી મોડર્નાની વેક્સિનને જ મંજૂરી આપી છે. મોડર્નાના શરૂઆતના દિવસોમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ટિમોથી સ્પ્રિંગર અને એમઆઈટીના સાયન્ટિસ્ટ રોબર્ટ લેંગરે પણ પૈસા લગાવ્યા હતા. તેઓ પણ હવે બિલિયોનેર બની ગયા છે. સ્પ્રિંગરે 2010માં 5 લાખ ડોલર લગાવ્યા હતા. હવે તેમની 3.5% ઈક્વિટીની વેલ્યૂ 1.6 અબજ ડોલર થઈ ગઈ છે. લેંગર એમઆઈટીમાં કેમિકલ એન્જિનિયરીંગના પ્રોફેસર છે. તેમણે પણ 2010માં જ મોડર્નામાં પૈસા રોક્યા હતા. અત્યારે તેમનું હોલ્ડિંગ 3% છે જેની વેલ્યૂ 1.5 અબજ ડોલર છે.

પ્રેમચંદ ગોધાઃ શેર 90% વધવાથી નેટવર્થ 1.4 અબજ ડોલર થઈ

એવું નથી કે માત્ર વેક્સિન બનાવનારી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો જ બિલિયોનેર બન્યા છે. આ કેટેગરીમાં પ્રથમ ભારતીયોની વાત કરીએ. પ્રેમચંદ ગોધાની કંપની ઈપ્કા લેબ્સ જેનરિક દવાઓ બનાવે છે. પરંતુ મેલેરિયાની દવા હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના અચાનક વેચાણના કારણે કંપનીના શેર ઝડપથી વધી ગયા હતા. એક વર્ષમાં કંપનીનાં શેર 90%થી વધુ વધ્યા છે. તેનો ફાયદો ગોધાને થયો અને તેમની નેટવર્થ 1.4 અબજ ડોલર થઈ ગઈ. હાઈડ્રોક્સી ક્લોરોક્વીનને પ્રથમ કોવિડ-19ના ઈલાજમાં અસરકારક ગણાવાઈ હતી પણ પછી ડબલ્યુએચઓએ કહ્યું કે એવું નથી.

ગિરધારી, બનવારી અને રાજેન્દ્રઃ 1.3 અબજ ડોલર છે તેમની નેટવર્થ

ગિરધારીલાલ બનવારી, બનવારીલાલ બાવરી અને રાજેન્દ્ર અગ્રવાલ, ત્રણેય ભાઈઓની મેકલોડ ફાર્માસ્યુટિકલ્સ ભારતની ટોચની 10 ફાર્મા કંપનીઓમાં સામેલ છે. જો કે તે શેરબજારમાં લિસ્ટેડ નથી. કંપની અસ્થમા, ડાયાબિટીઝ અને ઓસ્ટિયોપોરોસિસની જેનેરિક દવા બનાવે છે. આ વર્ષે આ ભાઈઓની નેટવર્થ 1.3 અબજ ડોલર થઈ ગઈ છે.

કાર્લ હેનસેનઃ ડિસેમ્બરમાં જ કંપની લિસ્ટ, નેટવર્થ 3 અબજ ડોલર થઈ ગઈ

કેનેડાની કંપની એબસેલેરાનો બિઝનેસ એન્ટીબોડી ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલો છે. 11 ડિસેમ્બરે કંપનીના શેર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયા હતા. ફાઉન્ડર અને સીઈઓ કાર્લ હેનસેનની હિસ્સેદારી કંપનીમાં 23% છે. જો કે લિસ્ટિંગ પછી શેર પ્રાઈસમાં ઘટાડો આવ્યો છે, આમ છતાં હેનસેનની નેટવર્થ ત્રણ અબજ ડોલર થઈ ગઈ છે. હેનસેન 2019 સુધી બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવતા હતા.

સર્જિયો સ્ટીવાનાટોઃ 40 કંપનીઓને વાયલ (શીશી) વેચીને બન્યા બિલિયોનેર

વેક્સિન સપ્લાઈ માટે કાચની કરોડો વાયલ્સની જરૂર પડી રહી છે. ઈટાલીના સર્જિયો સ્ટીવાનાટોની કંપની સ્ટીવાનાટો ગ્રૂપ જર્મનીની શૉટ પછી દુનિયાની બીજી સૌથી મોટી ગ્લાસ વાયલ બનાવનારી કંપની છે. આ કોવિડ વેક્સિન બનાવવામાં સામેલ 40થી વધુ કંપનીઓને વાયલ વેચી રહી છે. બિઝનેસ વધવાના કારણે સર્જિયોની નેટવર્થ 1.8 બિલિયન ડોલર થઈ ગઈ છે.

ઓગસ્ટ ટ્રોએન્ડલઃ રિસર્ચમાં મોટી કંપનીઓની મદદથી વધ્યો બિઝનેસ

અમેરિકન કંપની મેટપેસ મોટી દવા કંપનીઓને રિસર્ચમાં મદદ કરે છે. ગત વર્ષે તેના શેરના ભાવ 70% વધી ગયા. આથી તેના ફાઉન્ડર અને સીઈઓ ઓગસ્ટ ટ્રોએન્ડલની નેટવર્થ 1.3 અબજ ડોલરથી વધુ થઈ છે.

હૂ કુનઃ 5 મહિનામાં શેર 150% વધ્યા, નેટવર્થ 3.9 અબજ ડોલર થઈ

ચાઈનીઝ કંપનીઓમાં સૌથી મુખ્ય છે કોન્ટેક મેડિકલ સિસ્ટમ્સના ચેરમેન હૂ કુન. મેડિકલ ડિવાઈસ બનાવતી કંપની કોન્ટેક ગત વર્ષે ઓગસ્ટમાં જ શેનઝેન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. તેના પછી તેના શેર 150% વધ્યા છે અને હૂ કુનની નેટવર્થ 3.9 અબજ ડોલર થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here