રવિ કિશને કહ્યું, ઓશોના ગેટઅપમાં આવ્યો તો લોકો રડવા લાગ્યા હતા

0
8

ભોજપુરી સુપરસ્ટાર તથા રાજનેતા રવિ કિશન અપકમિંગ ફિલ્મ ‘સીક્રેટ્સ ઓફ લવ’માં આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના રોલમાં જોવા મળશે. હાલમાં જ મુંબઈના એક સ્ટૂડિયોમાં રવિ કિશને પોતાની ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને તેઓ ઓશોના ગેટઅપમાં જોવા મળ્યા હતા. બ્રેક દરમિયાન વાતચીતમાં તેમણે ફિલ્મ, પૉલિટિકલ કરિયર તથા દેશમાં ચાલતા ખેડૂત આંદોલન પર વાત કરી હતી.

રિયલ લાઈફમાં આધ્યાત્મિક છું

રિયલ લાઈફમાં હું આધ્યાત્મિક વ્યક્તિ છું. ભગવાન શિવનો મોટો ભક્ત છું અને તેથી જ આ પાત્ર ભજવવામાં મને કોઈ મુશ્કેલી પડી નહોતી. ફિલ્મ પ્રોડ્યૂસર વેલજીભાઈ ગાલા ઓશોના મોટા ભક્ત છે. તેમને મારી આંખો ઓશો જેવી લાગી હતી. દુનિયાભરમાં ઓશોના ફોલોઅર્સની સંખ્યા ઘણી જ મોટી છે. આથી હું તેમને ના પાડી શક્યો નહીં.

ઓશોના ગેટઅપમાં આવ્યો તો લોકો રડવા લાગ્યા હતા

જ્યારે સેટ પર ઓશોના ગેટઅપમાં આવ્યો તો ત્યારે ત્યાં હાજર રહેલાં તમામ લોકો રડી પડ્યા હતા. તે સમયે લાગ્યું કે હું પાત્રને ન્યાય આપી શકીશ. મને ઓશોની તમામ માહિતી નથી. જોકે, સ્ક્રીન પર તેમનું પાત્ર ભજવવાની તક મળી, તેના માટે તેમની બૉડી લેંગ્વેજથી લઈ આંખોના એક્સપ્રેશન સુધી તમામ બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ લૉકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ થયું હતું. ફિલ્મને જલદી પૂરી કરવાની જવાબદારી મારી પર હતી. મને આશા છે કે મેકર્સ જ્યારે મને સ્ક્રીન પર જોશે ત્યારે તેમને કાસ્ટિંગ પર સંતોષ થશે.

રાજનીતિ અલગ જવાબદારી લાવે છે

પૉલિટિકલ તથા ફિલ્મી કરિયરને બેલેન્સ કરવામાં મુશ્કેલી પડે છે. એક બાજુ ગોરખપુરમાંથી પાર્લામેન્ટમાં સામેલ થવાનું હોય છે. તો કેટલીક વેબ સિરીઝનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. રાજનીતિ સમય બહુ ખાઈ જાય છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીનો નંબર 1 સાંસદ રહ્યો છું. રાજનીતિ અલગ જ જવાબદારી લઈને આવે છે. હવે તો જ્યારે પણ કોઈ પ્રોજેક્ટની પસંદગી કરું છું તો સૌ પહેલાં દેશનો વિચાર કરું છું. કોઈ પણ પ્રકારે મારી ઈમેજને ખરાબ કરવા માગતો નથી. ઈમાનદારીની સાથે રાજનીતિ કરવી છે.

ટીકાઓને હકારાત્મક રીતે લઉં છું

હું ટીકા માટે તૈયાર છું, કારણ કે આ એક માનવીય પ્રકૃતિ છે. હવે તો સો.મીડિયાનો જમાનો છે. આથી જ હવે ટીકાઓ વધારે થાય છે. જોકે, મને આ વિશે ખ્યાલ છે. ક્યારેય કો-સ્ટાર્સ પીઠ પાછળ વાતો કરે છે તો ક્યારેક પ્રતિદ્વંદ્વી પણ આવું કરે છે. આ તો સદીઓથી ચાલે છે. આની મારા પર કોઈ અસર થતી નથી. હું ટીકાને પોઝિટિવ રીતે હેન્ડલ કરતાં શીખી ગયો છું. કોણ મારા વિશે શું વિચારે છે, આનાથી મને કોઈ ફરક પડતો નથી. મારા હિસાબે આવી વાતો થોડાં દિવસ ચાલે છે અને પછી લોકો આપોઆપ શાંત થઈ જાય છે.

હું પણ ખેડૂતનો દીકરો છું

ખેડૂતો માટે ત્રણ કાયદો પસાર થયો ત્યારે હું સાંસદમાં જ હતો. મેં કાયદા વાંચ્યા છે. હું વિશ્વાસ સાથે કહું છું કે આનાથી ખેડૂતોને ફાયદો જ થશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં ખેડૂતોના વિકાસ અંગે વિચારે છે. હું પણ ખેડૂતનો દીકરો છું. મને ખ્યાલ છે કે જેમની પાસે જમીન ઓછી છું, તેમના માટે આ કાયદાઓ કેટલાં ફાયદાકારક છે. આ એક્ટને કારણે ખેડૂતો હવે ગમે ત્યાં પોતાનો સામાન વેચી શકશે. પંજાબ સિવાય આખા દેશમાં ખેડૂતો આ વાત સમજી ચૂક્યા છે. મને વિશ્વાસ છે કે પંજાબના ખેડૂતો પણ આ વાત સમજી જશે. સરકાર તથા ખેડૂતોની વચ્ચે ચાલતી વાતચીતનો ઉકેલ જરૂરથી આવશે. બધાને ખબર પડશે કે વડાપ્રધાને તેમના માટે કેટલું સારું પગલું ભર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here