દશેરા : રાજકોટ : લોકો જલેબી-ગાંઠિયાથી દૂર રહ્યાં, 40 ટકાથી પણ ઓછી ઘરાકી, વેપારીઓએ કહ્યું…………

0
2

આજે વિજયાદશમીનો તહેવાર છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે રાવણદહનના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે કાઠિયાવાડની શાન ગણાતા અને લોકોને દાઢે વળગે એવા જલેબી-ગાંઠિયાના વેચાણમાં પણ ગ્રહણ લાગ્યું છે. આજે સવારે મર્યાદિત સંખ્યામાં જ લોકો મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખરીદી કરતા જોવા મળ્યાં હતા. કોરોના મહામારીને કારણે વેપારીઓએ 50 ટકા જ ફાફડા-જલેબી અને મીઠાઈ બનાવી છે. મીઠાઈના વેપારી વાસુદેવ સોમૈયાએ જણાવ્યું હતું કે, તહેવાર ઉપર મીઠાઈનું ખાસ મહત્વ હોય છે. દશેરાના દિવસે લોકો ખાસ કરીને જલેબી-ફાફડા વધુ ખરીદતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીમાં અમે 50 ટકા ઘરાકીની આશા લઈને બેઠા છીએ. કારણ કે લોકોને બીક વધારે પડતી છે કે, મીઠાઈ ખાવાથી ગળામાં તકલીફ વધારે થાય. શરદી-ઉધરસ થઈ જાય તેવી સંભાવના રહે છે. આથી લોકો ખાતા બીવે છે. લોકો ઘરે જ ગાંઠિયા બનાવતા થઈ ગયા છે.

ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સેનિટાઈઝની વ્યવસ્થા

રાજકોટની ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સેનિટાઈઝની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ફરસાણ અને મીઠાઈની દુકાનોએ હાથ ન લગાડવો પડે તેનું હેન્ડવોશ સેનિટાઈઝના મશીનો મૂકવામાં આવ્યા છે. ગ્રાહક આવે એટલે પહેલા સેનિટાઈઝથી હેન્ડવોશ કરે છે. તેમજ વેપારીઓ દ્વારા દુકાને આવતા ગ્રાહકોને ફરજીયાત માસ્ક પહેરીને આવે તેવી અપીલ કરવામાં આવી છે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

મીઠાઈના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથીઃ વેપારી રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા વરીયા ફરસાણ માર્ટના માલિક ભરતભાઈએ જણાવ્યું હતું કે, અમે 44 વર્ષથી ફરસાણની દુકાન ચલાવીએ છીએ. દશેરા નિમેત્તે એવું છે કે, દર વર્ષે દશેરા હોય છે તેના કરતા આ વર્ષે દશેરાએ કોરોનાના હિસાબે 50 ટકા ઘરાકી છે. સવાર સવારમાં લોકોની દર વર્ષે જલેબી-ફાફડા લેવા માટે લાઈન લાગતી પરંતુ આ વર્ષે કોરોનાને કારણે ઘરાકી બહુ જ ઓછી છે. દર વર્ષે એક અઠવાડિયા અગાઉ આની બધી તૈયારી કરવી પડે. પરંતુ આ વર્ષે ઘરાકી નથી. 50 ટકા લોકો બહારનું ઓછુ ખાય છે અને ઘરે બનાવીને જ ખાય છે. ધંધામાં ફટકો પડ્યો છે. સદગુરૂ ડેરી ફાર્મના માલિક વલ્લભભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષ કરતા આ વર્ષે કોરોનાની મહામારીને કારણે 40થી 50 ટકા ઘરાકી જેવું છે. બધી જ આઈટમમાં 40થી 50 ટકા ઘરાકી છે. રાજકોટની સ્વાદપ્રિય જનતા છે એટલે વાંધો નથી આવતો બાકી તો આમાં કોઈ આવક રહે નહીં. ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોરોનાના ડરથી લોકોની ઘરાકી ઓછી જોવા મળી

દર વર્ષે દશેરાના દિવસે મીઠાઈ અન ફરસાણનું મોટા પ્રમાણમાં વેંચાણ થાય છે. દશેરાના આગલા દિવસે મીઠાઈ-ફરસાણ બેકરી સહિતની ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં જબરી ખરીદી નીકળે છે. આ વર્ષે પણ ફરસાણ અને મીઠાઈના વેપારીઓને દુકાનો બહાર કાઉન્ટરો સજાવી ફરસાણ-મીઠાઈના આકર્ષણો ઉભા કરી દીધા છે. પરંતુ કોરોનાનો ડર હજુ લોકોના મનમાંથી દૂર થયો નથી. ત્યારે આજે બપોર સુધી મીઠાઈ-ફરસાણના વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જો કે, સાંજથી મોડીરાત સુધી ફરસાણ-મીઠાઈની ખરીદી નીકળવાની વેપારીઓને આશા છે.