10 કરોડ ભારતીયોની પર્સનલ ડિટેલ્સ ડાર્ક વેબ પર વેચવા માટે તૈયાર, 63 લાખમાં વેચાય છે 350 GB ડેટા

0
5

મોબાઈલથી લેણદેણ કરતા લોકોને સતર્ક કરે એવા સમાચાર છે. સાઈબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજહરિયા અને ફ્રેન્ચ સાઈબર સિક્યોરિટી એસ્કપર્ટ ઈલિયટ એન્ડરસનનો દાવો છે કે 10 કરોડ ભારતીયોના પર્સનલ ડેટા એક હેકર ફોરમે ડાર્ક વેબ પર વેચવા મૂક્યા છે.

તેમણે કહ્યું છે કે પહેલાં પણ પેમેન્ટ એપને સાવધાન કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ વાત પર ધ્યાન ના આપ્યું. હેકર ગ્રુપ લીક કરવામાં આવેલા ડેટાને 26 માર્ચથી ઓનલાઈન વેચી રહ્યા છે. હેકર ગ્રુપની એક પોસ્ટ પ્રમાણે ડેટા 1.6 બિટકોઈન (અંદાજે 63 લાખ રૂપિયા)માં વેચવામાં આવી રહ્યા છે. ડાર્ક વેબ પર શેર કરવામાં આવેલા આ ડેટાની સાઈઝ અંદાજે 350 GB છે. માનવામાં આવે છે કે આ પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકથી લીક થયા છે. દેશમાં મોબિક્વિકના 12 કરોડથી વધારે યુઝર્સ છે.

મોબિક્વિકનો ખુલાસો- ડેટા અમારી પાસેથી લીક નથી થયો

મોબિક્વિકે પોતાના પક્ષમાં ખુલાસો કરતાં કહ્યું છે કે અમુક યુઝર્સે જણાવ્યું છે કે તેમનો ડેટા ડાર્ક વેબ છે. યુઝર્સ ઘણાં પ્લેટફર્મ પર તેમનો ડેટા શેર કરી રહ્યા છે. આ સંજોગોમાં એવું કહેવું ખોટું છે કે તેમનો ડેટા અમારાથી લીક થયો. એપથી લેણ-દેણ સંપૂર્ણ સુરક્ષિત છે અને OTP બેઝ્ડ છે.

આવો કેસ પહેલીવાર ગયા મહિને નોંધાયો હતો, તો કંપનીએ બહારના સુરક્ષા નિષ્ણાતોની મદદથી સંપૂર્ણ તપાસ કરી છે. કોઈ વાયોલેશનના પુરાવા મળ્યા નથી. કંપની સંપૂર્ણ રીતે સાવધાની સાથે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે.

GPS લોકેશન, ક્રેડિટ-ડેબિટ કાર્ડ નંબર પણ લીક

જે ડેટાને સેલમાં રજૂ કરવામાં આવ્યો છે એમાં 9.9 કરોડ મેલ, ફોન પાસવર્ડ, એડ્રેસ અને ઈન્સ્ટાલ્ડ એપ્સ ડેટા, IP એડ્રેસ અને GPS લોકેશન જેવા ડેટા સામેલ છે. આ સિવાય તેમાં પાસપોર્ટ ડિટેલ્સ, પેન કાર્ડ ડિટેલ્સ, ક્રેડિટ કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ નંબર અને આધાર કાર્ડ ડિટેલ્સ પણ સામેલ છે.

ઈતિહાસનો સૌથી મોટો ડેટા લીક

પેમેન્ટ એપના આ કથિત ડેટા લીકનો દાવો રાજશેખર સિવાય એક ફ્રેન્ચ સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ ઈલિયટ એન્ડરસને પણ કર્યો છે. ઈલિયટ એન્ડરસને 29 માર્ચે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે શક્ય છે કે આ ઈતિહાસનો સૌથી મોટો ડેટા લીક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here